आस्था

સરસપુરમાં આજે અગિયારસે ભગવાનનું મામેરું, બે પેઢીથી વાટ જોતા ઠાકોર પરિવારને મળી છે આ તક

અમદાવાદઃ સરસપુર મંદિર ખાતે આજે ભગવાન જગન્નાથનું મામેરુ ભરાશે. આ વર્ષે મહારાષ્ટ્રના પહેરવેશ પ્રમાણે બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજી અને ભગવાન જગન્નાથના વાઘા બનાવવામાં આવ્યા છે. આ વખતે સરસપુરના રહેવાસી મહેશ ઠાકોરનો પરિવાર સરસપુર મંદિર ખાતે ભગવાનનું મામેરું બપોરે 4થી રાતના 8 વાગ્યા સુધી ભરશે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત ઠાકોર પરિવાર મામેરુની વિધિ કરશે. હાલ આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, બીજી બાજુ અષાઢી બીજના દિવસે નીકળનારી 144મી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રવિવારે ડી.સી.પી ઝોન 3 દ્વારા, એ.સી.પી અને પી.આઇ સહિતના પોલીસ કાફલા સાથે સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

‘બે પેઠીઓથી મામેરાની રાહ જોતા હતા’

ભગવાનનું મામેરું કરનાર મહેશભાઈ ઠાકોર મૂળ ભગવાનના મોસાળ સરસપુરના રહેવાસી છે. હાલ તેઓ સેટેલાઈટ વિસ્તારમાં રહે છે. તેમના જણાવ્યાં પ્રમાણે, અમારું પરિવાર છેલ્લી ચાર પેઢીથી સરસપુરમાં રહે છે. મારા પિતા અને દાદા બંને રણછોડરાયનાં ભક્તો હતા. મારા પિતા ભગવાનદાસભાઇ વર્ષોથી મામેરું કરવા માટે પ્રયત્ન કરતા હતા પરંતુ તક મળી ન હતી. હું ઠાકોર સમાજનો પહેલો વ્યક્તિ છું જેને ભગવાનનું મામેરું કરવાની તક મળી છે. આ વર્ષે કોરોનાની મહામારીમાં મામેરું પરંપરાગત રીતે જ કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. મામેરું કરનાર પરિવારને 35 પાસ પણ બનાવી આપવામાં આવશે. પાસ આપવામાં આવ્યા છે તે વ્યક્તિઓ જ મામેરા સમયે હાજર રહી શકશે. અમારા પરિવારમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

મહારાષ્ટ્ર અને જયપુરથી બનાવડાવ્યા છે ઘરેણાં

મહેશ ઠાકોરે આગળ જણાવ્યું કે, ભગવાને આ તક આપીને મારું જીવન સાર્થક બનાવ્યું. મારા પિતાની છેલ્લાં 50 વર્ષથી ઈચ્છા હતી. તેથી હું ટ્રસ્ટી મંડળ સાથે છેલ્લાં 8 વર્ષથી સંપર્કમાં હતો. તેમને વિનંતી કરી હતી કે મારા પિતાની લાગણીને માન આપીને મને મામેરુ કરવાની તક આપો. મામેરામાં ભગવાનના આભૂષણો મહારાષ્ટ્ર અને જયપુરથી ખાસ બનાવડાવ્યા છે.

ગત મામેરું સરસપુરનાં લોકેએ સાથે ભર્યું હતું

નોંધનીય છે કે, ગત રથયાત્રા પહેલાનાં મામેરામાં ભગવાનનું મામેરું સરસપુરનાં લોકોએ સાથે મળીને કર્યું હતું. મોસાળ સરસપુરના રણછોડ મંદિર ખાતે મામેરું યોજવામાં આવ્યું હતું. ગત વર્ષે પહેલી વાર મામેરાના યજમાન કોઈ વ્યક્તિ નહિં પરંતુ આખું સરસપુર ગામ બન્યું હતું.

Related Articles

Back to top button