गुजरात

અમદાવાદ: કોરોના મહામારીમાં બાજપેયી લોન આપવાનું કહીને ગઠિયાએ વેપારીઓને લગાવ્યો લાખોનો ચૂનો

અમદાવાદ: ગઠિયાઓ લોકોને ઠગવાની નવી નવી રીતો લઇને આવતા હોય છે. પહેલા તેમનો વિશ્વાસ મેળવે છે અને તે બાદ તેમની સાથે છેતરપિંડી કરતા હોવાના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ સરકારી સબસીડીવાળી બાજપેઇ યોજનાના નામે અનેક લોકોની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઇ છે. કોરોના મહામારી પછી વેપાર ધંધામાં આર્થિક મદદના નામે બાજપેયી લોનની જાણકારી આપીને છ લોકોની સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જોકે, આ કેસમાં પોલીસને આશંકા છે કે, આ છેતરપિંડીમાં બીજા અન્ય લોકો પણ ફસાયા હશે. આ અંગેની ફરિયાદ સી.જી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. રમાકાંત નામનો ઠગની સી.જી રોડ ઉપર ઓફિસ હતી જે બંધ કરીને ભાગી ગયો છે.

પહેલા વેપારીનને ક્રેડિટ કાર્ડ અપાવ્યુ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઘાટલોડિયાના ચાણક્યપુરીમાં રહેતા ધર્મેશભાઈ રામભાઈ શર્માની ઘડિયાળની દુકાન છે. ધર્મેશભાઇ પર આશરે બે વર્ષ પહેલા એક ફોન આવ્યો હતો. જેમાં રમાકાંતે યસ બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહીને ક્રેડિટ કાર્ડ ઓફર કર્યું હતું. જે બાદ પ્રોસેસ કરીને ધર્મેશભાઇએ ક્રેડિટ કાર્ડ મેળવ્યુ પણ હતુ. જે બાદ ગત જુન 2021માં રમાકાંત સાહુ ધર્મેશભાઈની ચાણક્યપુરીમાં આવેલી દુકાને ગયો હતો. રમાકાંતે કહ્યું હતું કે, યસ બેન્કની નોકરી છોડી દીધી છે અને લોન અપાવવાનો ધંધો શરૂ કર્યો છે. હું બધા પ્રકારની લોન અપાવવાનું કામ કરૂં છું. તેણે નવરંગપુરામાં માય માય હાઉસ પાછળ સીજી રોડ ઉપર ઓફિસ ચાલુ કરી હોવાનું જણાવ્યું હતું.

10થી 12 દિવસમાં લોન મળશે એવું કહ્યુ

જે બાદ ધર્મેશભાઈ એક દિવસ રમાકાંતની ઓફિસે ગયા હતા. રમાકાંતે કહ્યું હતું કે, સરકાર દ્વારા કોરોના મહામારીમાં અર્થતંત્રને બેઠું કરવાના હેતુથી નાના ગૃહઉદ્યોગો માટે સબસીડીવાળી બેન્ક લોન અપાવવાની તેમજ અન્ય યોજાનાના લાભ સમજાવ્યા હતા. જે બાદ ધર્મેશભાઈ અને તેમના મિત્ર અશ્વિનભાઈ પુત્રના અભ્યાસ માટે પૈસાની જરૂર હોવાથી તેમજ આસારામ વર્માને લોનની જરૂર હોવાથી રમાકાંતની ઓફિસે ગયા હતા. રમાકાંતે ધર્મેશભાઈને વોચના ધંધા માટે આઠ લાખની, અશ્વિનભાઈને દીકરાના વિદેશ અભ્યાસ માટે 16 લાખની તેમજ આસારામભાઈ વર્માને મકાન માટે 24 લાખની લોન મંજુર કરાવી આપવાની ખાતરી આપી હતી. બાજપેઈ યોજના અંતર્ગત લોન અપાવવાનું કહી જરૂરી ડોક્યુમેન્ટસ મેળવ્યા હતા. જે બાદ તેમણે બે ટકા કમિશન આપવાનું રહેશે તેવું પણ કહ્યુ હતુ. 10થી 12 દિવસમાં લોન મંજૂર થશે તેવું પણ જણાવ્યુ હતુ. ફાઇલ ચાર્જ પેટેની ફી પણ લીધી હતી.

રમાકાંતની ઓફિસ અને મોબાઇલ બંધ હતો

રમાકાંતે કહ્યુ હતુ કે, લોન વેરિફિકેશન માટે ફોન આવશે પરંતુ પંદર દિવસ થયા છતાં પણ કોઇ ફોન કે લેટર આવ્યો ન હતો. જેથી રમાકાંતે થોડી દિવસ વધારે રાહ જોવાનું જણાવ્યુ હતુ. થોડા દિવસ પછી પણ કોઇ ફોન ન આવતા ધર્મેશભાઇ અને તેમના મિત્ર રમાકાંતની ઓફિસે ગયા હતા. પરંતુ તે ઓફિસ બંધ હતી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો.

Related Articles

Back to top button