गुजरात

રાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ! નોનવેજના ધંધાર્થીઓએ છગન ભરવાડને છરી વડે ઉતાર્યો મોતને ઘાટ

રાજકોટઃ રાજકોટ શહેરમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. રવિવારના રોજ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા સાત હનુમાન મંદિર પાસે નજીવી બાબતે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. તેમજ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસ દ્વારા યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના સાત હનુમાન મંદિર પાસે છગન ભરવાડ તેમજ મુસ્લિમ શખ્સો વચ્ચે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરવાડ પરિવારમાં લગ્ન પ્રસંગ છે. તેમજ ઘર પાસે નોનવેજના ધંધાર્થી સાથે યુવાન છગનને બોલાચાલી થઈ હતી.

પાંચ જેટલા શખ્શો દ્વારા છગન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવમાં છગનને શરીરના જીવલેણ ઘા ઝીંકાતા તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. સારવાર અર્થે છગનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આમ, એક તરફ ભરવાડ પરિવારમાં લગ્ન પ્રસંગનો માહોલ હોય અને બીજી તરફ યુવાનની હત્યા થતાં પરિવારમાં શરણાઈ ના સુર માતમમાં ફેરવાયો હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર બનાવમાં સામાપક્ષે બે મુસ્લિમ યુવાનોને પણ ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલાની જાણ કુવાડવા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા સહિતના સ્ટાફને થતા તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

તેમજ બનાવની જાણ થતા સિવિલ હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હોવાનું પણ સામે આવ્યું છે.  ત્યારે પોલીસ દ્વારા ભરવાડ યુવાનના હત્યારાઓને કેટલી કલાકોમાં ઝડપી પાડવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

Related Articles

Back to top button