ઓઈલનો ભંડાર હોવા છતાં અમેરિકામાં કેમ વધી રહ્યા છે પેટ્રોલના ભાવ? 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો | US Gas Prices Hit 4 Year High Amid Iran Conflict And Hormuz Blockade Despite Massive Oil Reserves

![]()
America Oil Price Hike : ઈરાન સાથે યુદ્ધ કરવું અને હોર્મુઝ જળમાર્ગ પર નાકાબંધી કરવાની ભૂલ અમેરિકાને ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે. ભલે ઈરાનની મિસાઈલ અમેરિકા સુધી પહોંચી શકતી નથી, પરંતુ યુદ્ધની ગંભીર અસરની ઝપેટમાં અમેરિકા પણ આવી ગયું છે. ઈરાન સાથે વિવાદના કારણે અમેરિકામાં મોંઘવારી, મંદી, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. હાલ અમેરિકા એવું મજબૂર થયું છે કે, તેણે ચોથી વખત પેટ્રોલના ભાવ વધારવા પડ્યા છે.
ક્રૂડ ઓઈલનો અતૂટ ભંડાર ધરાવતા અમેરિકાએ ફરી પેટ્રોલના ભાવ વધાર્યા
મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકાએ ગેસોલિન એટલે કે પેટ્રોલના ભાવ ચોથી વખત વધાર્યા છે. યુદ્ધ બાદ ક્રૂડ ઓઈલનો અતૂટ ભંડાર ધરાવતા અમેરિકામાં પેટ્રોલની કિંમતમાં 50 ટકાનો વધારો થઈ ચુક્યો છે. જોકે હવે એવો સવાલ થાય છે કે, બીજા દેશોમાં ક્રૂડ ઓઈલ વેચનારા અમેરિકાની આવી હાલત કેવી રીતે થઈ? અમેરિકાની પોતાની પાસે 74.4 અબજ બેરલ ક્રૂડ ઓઈલનો ભંડાર છે, તેણે વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ વેનેઝુએલાના 303 અબજ બેરલ ક્રૂડ ઓઈલ પર કબજો પણ કરેલો છે, તો પછી તે ક્રૂડ ઓઈલની મોંઘવારી સામે કેમ ઝઝુમી રહ્યો છે? અમેરિકા પાસે ઓઈલનો મસમોટો જથ્થો છે, તો પછી ત્યાં ક્રૂડ ઓઈલના ભાવ કેમ વધી રહ્યા છે? બીજીતરફ ભારત કુલ જરૂરીયાતમાંથી 80થી 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તો પછી ભારતે ક્રૂડ ઓઈલની વધતી કિંમતો પર કંટ્રોલ કેવી રીતે કર્યો છે?
અમેરિકામાં પેટ્રોલના વધતા ભાવથી 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
અમેરિકન ઓટોમોબાઈલ એસોસિએશને કહ્યું કે, મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગેસોલિનના એક ગેલનની કિંમત 4.51 ડૉલર સુધી પહોંચી ગઈ છે. રિપોર્ટ મુજબ, અમેરિકામાં પેટ્રોલની વધતી કિંમતે ચાર વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અમેરિકા-ઈરાન વિવાદના કારણે વિશ્વ માટે અતિ મહત્ત્વનો સપ્લાય માર્ગ હોર્મુઝ જળમાર્ગ બંધ છે. વિશ્વમાં આયાત કરાતું 20 ટકા ક્રૂડ ઓઈલ હોર્મુઝમાંથી જ સપ્લાય કરવામાં આવે છે. જોકે હોર્મઝ બંધ હોવાના કારણે આ સપ્લાય અટકી ગયો છે.
ક્રૂડ ઓઈલની કિંમતમાં તોતિંગ વધારો
હોર્મુઝ બંધ હોવાથી વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં તોતિંગ વધારો થયો છે. યુદ્ધ પહેલા ક્રૂડ ઓઈલના એક બેરલનો ભાવ 70-72 ડૉલર હતો, જે હવે 125 ડૉલરના ઉચ્ચ સ્તરે અડકી ગયો છે. ઉર્જા સુરક્ષા પર નજર રાખતી મહત્વની આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી’એ હોર્મુઝ અને ક્રૂડ ઓઈલની વર્તમાન સ્થિતિને અતિ ગંભીર ગણાવી છે. અમેરિકામાં ક્રૂડ ઓઈલને રિફાઈન કરતી કંપનીઓને કેટલીક મર્યાદાઓ નડે છે, કારણ કે ત્યાં મોટાભાગની રિફાઈનરીઓમાં માત્ર હેવી ક્રૂડનું પ્રોસેસિંગ થાય છે. જ્યારે સ્થાનિક ઉત્પાદન કરવા માટે હળવા ક્રૂડ ઓઈલનું પ્રોસેસિંગ થવું જોઈએ, જે અમેરિકન કંપનીઓ પાસે ક્ષમતા નથી. જેના કારણે અમેરિકા પાસે ક્રૂડ ઓઈલનો મસમોટો ભંડાર હોવા છતાં તે રિફાઈન કરેલું ક્રૂડ બીજા દેશો પાસેથી ખરીદે છે. આ ઉપરાંત અમેરિકન ક્રૂડ ઉત્પાદન કરવાનો માલિકી હક્ક પ્રાઈવેટ કંપનીઓ પાસે છે. જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધે છે, ત્યારે આ કંપનીઓ નફો કમાવવા નિકાસ વધારી દે છે.
અમેરિકા ઓઈલનો મોટો ઉત્પાદક છતાં બીજા દેશો પાસેથી ખરીદવા મજબૂર
અમેરિકા તેના ઓઈલ રિઝર્વમાંથી જે તેલ કાઢે છે, તેમાંથી મોટાભાગનું તેલ દેશમાં વપરાતું જ નથી. અમેરિકન કારો અને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતું ઓઈલ તે કેનેડા, સાઉદી અરેબિયા અને સેન્ટ્રલ તથા સાઉથ અમેરિકાથી આયાત કરે છે. વર્ષ 2025 માં અમેરિકાએ દરરોજ 3.9 મિલિયન બેરલ ઓઈલની નિકાસ કરી હતી, જ્યારે દરરોજ અંદાજે 6.2 મિલિયન બેરલ કાચા તેલની આયાત કરી હતી. કેનેડા તેનો સૌથી મોટો આયાતકાર દેશ છે, જ્યારે સાઉદી અરેબિયાથી તે દરરોજ આશરે 2,70,000 બેરલ કાચું તેલ આયાત કરે છે.



