Explainer: ક્રૂઝ શિપ પર ઉંદરોના કારણે ફેલાયો જીવલેણ હેન્ટા વાઇરસ, જાણો તેનાથી બચવાના ઉપાય | health news hantavirus outbreak cruise ship argentina canary islands symptoms prevention

![]()
Hantavirus Stay Informed, Stay Safe: વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી મોટા ખતરા ટાળી દેતી માનવજાત ક્યારેક નાના જીવ તરફથી આવતા સંકટ સામે હાંફી જતી હોય છે. કોરોના વાઇરસ એનું વરવું ઉદાહરણ. એના ઓછાયા હજુ ધરતી પરથી પૂરેપૂરા સમાપ્ત નથી થયા, ત્યાં તો નવું જોખમ દરવાજે દસ્તક દેતું આવી પહોંચ્યું છે. એપ્રિલમાં આર્જેન્ટિનાથી કેનેરી ટાપુઓ તરફ જઈ રહેલા એક ક્રુઝ શિપ પર હેન્ટા વાઇરસનો પ્રકોપ ફેલાઈ ગયો હતો. જેને કારણે ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા. ઉંદરો દ્વારા ફેલાતો આ દુર્લભ રોગ શ્વસનતંત્ર અને કિડની પર જીવલેણ હુમલો કરે છે.
ચાલો જાણીએ કે હેન્ટા વાઇરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
ક્રૂઝ શિપ એમ.વી. હોન્ડિયસની ઘટના
‘ઓશનવાઈડ એક્સપિડિશન્સ’ દ્વારા સંચાલિત એક્સપિડિશન ક્રૂઝ શિપના પ્રવાસની શરૂઆત 1 એપ્રિલ 2026ના રોજ આર્જેન્ટિનાના ઉશુઆઇયાથી થઈ હતી. આ પ્રવાસ મૂળ યોજના મુજબ કેપ વર્ડે (પશ્ચિમ આફ્રિકાનો ટાપુ દેશ) માં પૂરો થવાનો હતો. 4 મે, 2026 સુધી જહાજ ત્યાં જ લંગરાયેલું હતું, પરંતુ વાઇરસના ફેલાવાને કારણે સત્તાવાળાઓએ મુસાફરોને ત્યાં ઉતરવાની મંજૂરી આપી ન હતી. આ કારણસર ક્રૂઝ કેનેરી આઈલેન્ડ્સ (ગ્રાન્ડ કેનેરિયા કે ટેનેરાઈફ) તરફ આગળ વધી રહ્યું છે, જેથી ત્યાં મુસાફરોને તબીબી સારવાર મળી શકે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરી શકે.
આ મુસાફરોની આરોગ્યના તપાસમાં એવી સંભાવના વ્યક્ત કરાઈ છે કે મુસાફરો પ્રવાસ દરમિયાન ઉશુઆઇયામાં પક્ષી નિરીક્ષણ કરતી વખતે ઉંદરો દ્વારા દૂષિત થયેલા પર્યાવરણના સંપર્કમાં આવ્યા હતા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જગાવી છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા મુજબ, સામાન્ય જનતા માટે આનું જોખમ ઓછું છે કારણ કે તે કોવિડની જેમ માણસોમાં ઝડપથી ફેલાતો નથી.
હેન્ટા વાઇરસ એટલે શું?
હેન્ટા વાઇરસ એ વાઇરસનો એક સમૂહ છે જે મુખ્યત્વે ઉંદરો (ખાસ કરીને જંગલી ઉંદર) દ્વારા ફેલાય છે. આ વાઇરસ ઉંદરોમાં કોઈ બીમારી પેદા કરતો નથી, પરંતુ મનુષ્યોમાં પ્રવેશે ત્યારે અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે.
હેન્ટા વાઇરસના મુખ્ય બે પ્રકાર છે
વિજ્ઞાનીઓ હેન્ટા વાઇરસને મુખ્યત્વે બે ગંભીર બીમારીઓમાં વિભાજિત કરે છે:
1. HPS (હેન્ટા વાઇરસ પલ્મોનરી સિન્ડ્રોમ): આ પ્રકાર મુખ્યત્વે અમેરિકા ખંડમાં જોવા મળે છે. તે સીધો ફેફસાં અને હૃદય પર હુમલો કરે છે, જેના કારણે ફેફસામાં પ્રવાહી ભરાઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
2. HFRS (હેમોરહેજિક ફીવર વિથ રેનલ સિન્ડ્રોમ): આ પ્રકાર એશિયા અને યુરોપમાં વધુ સામાન્ય છે. તે મુખ્યત્વે કિડનીને નિશાન બનાવે છે, જેના કારણે દર્દીને તીવ્ર તાવ, રક્તસ્રાવ (hemorrhage) અને કિડની નિષ્ફળ જવાનો ખતરો રહે છે.
સંક્રમણ કેવી રીતે ફેલાય છે?
મોટા ભાગના વાઇરસ માણસથી માણસમાં ફેલાય છે, પરંતુ હેન્ટા વાઇરસ થોડો અલગ છે.
1. હવા દ્વારા: ઉંદરોના મળ, પેશાબ કે લાળમાં રહેલા સૂક્ષ્મ કણો જ્યારે હવામાં ભળે છે, ત્યારે શ્વાસ લેતી વખતે તે માનવ શરીરમાં પ્રવેશે છે.
2. સીધો સંપર્ક: ઉંદર કરડવાથી કે દૂષિત સામગ્રીને અડવાથી પણ ચેપ લાગી શકે છે.
3. માણસથી માણસને: સામાન્ય રીતે આ વાઇરસ માણસથી માણસમાં ફેલાતો નથી, પરંતુ ‘એન્ડિસ હેન્ટા વાઇરસ’ જેવો ચોક્કસ સ્ટ્રેન મર્યાદિત માત્રામાં માનવ સંપર્ક દ્વારા ફેલાઈ શકે છે.
હેન્ટા વાઇરસના લક્ષણો અને જોખમ
હેન્ટા વાઇરસના લક્ષણો ચેપ લાગ્યાના એકથી 8 સપ્તાહમાં દેખાય છે.
પ્રાથમિક લક્ષણો: તીવ્ર તાવ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ઉબકા અને અતિશય થાક.
ગંભીર લક્ષણો: ફેફસામાં પ્રવાહી ભરાવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને છાતી જકડાઈ જવી.
અમેરિકાની મુખ્ય રાષ્ટ્રીય જાહેર આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મતે, હેન્ટા વાઇરસ પલ્મોનરી સિન્ડ્રોમનો મૃત્યુ દર લગભગ 35% જેટલો ઊંચો છે. આના પરથી ખ્યાલ આવે છે કે આ વાઇરસ કેટલો જીવલેણ છે.
શું છે હેન્ટા વાઇરસના નિદાનની રીત અને સારવાર
હાલમાં હેન્ટા વાઇરસ માટે કોઈ ચોક્કસ રસી કે એન્ટિવાઇરલ દવા ઉપલબ્ધ નથી.
નિદાન: પ્રાથમિક તબક્કે હેન્ટા વાઇરસને ઓળખવો મુશ્કેલ છે. રક્ત પરીક્ષણ અથવા PCR (પોલિમેરેઝ ચેઈન રિએક્શન) ટેસ્ટ દ્વારા આ વાઇરસની પુષ્ટિ થાય છે.
સારવાર: દર્દીને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરી ઓક્સિજન થેરેપી અને આઈસીયુમાં સંભાળ પૂરી પાડવી જરૂરી છે.
બચાવના ઉપાયો
– ઉંદરો રહેતા હોય તેવી જગ્યાઓથી દૂર રહેવું.
– સફાઈ કરતી વખતે ગ્લવ્સ પહેરવા અને જંતુનાશક કે ક્લિનરનો ઉપયોગ કરવો.
– ઉંદરના મળને સીધો વાળવો કે વેક્યુમ ન કરવો કારણ કે તેનાથી વાઇરસ હવામાં ઉડી શકે છે.
– ઘરમાં ઉંદરો હોય તો ખોરાક સુરક્ષિત રાખવો.
વિખ્યાત અભિનેતા જિન હેકમેનના પત્નીનું અવસાન
ગયા વર્ષે ન્યુ મેક્સિકોમાં દિવંગત અભિનેતા જિન હેકમેનનાં પત્ની બેટ્સી અરાકાવાનું અવસાન પણ હેન્ટા વાઇરસના ચેપથી થયું હતું. આ ઘટના એ હકીકત દર્શાવે છે કે આ ગમે તેવી સારસંભાળ રાખીએ તો પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
સાવચેતી જ સૌથી મોટું હથિયાર
હેન્ટા વાઇરસ ભલે દુર્લભ હોય, પણ તેની ઘાતકતા ઓછી આંકવા જેવી નથી. જો તમે ઉંદરોના સંપર્કમાં આવ્યા હોવ અને ફ્લૂ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તબીબી સલાહ લેવી હિતાવહ છે. યોગ્ય સાવચેતી જ આ જીવલેણ વાઇરસ સામેનું સૌથી મોટું શસ્ત્ર છે.



