‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે કોલકાતા પહોંચી મમતા બેનરજીને આપી સાંત્વના | Akhilesh Yadav Meets Mamata Banerjee In Kolkata: Slamming BJP Over West Bengal Election Democracy

![]()
Akhilesh Yadav Kolkata Visit : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે (7 મે) કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે મમતા બેનર્જીને સાંત્વના આપતા કહ્યું હતું કે, ‘દીદી, તમે હાર્યા નથી.’ આ દરમિયાન ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પણ હાજર હતા અને તેમણે અખિલેશ યાદવનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ભાજપની આંખોમાં દીદી ખૂંચે છે : અખિલેશ યાદવ
આ અગાઉ કોલકાતા પહોંચેલા અખિલેશ યાદવે એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘બંગાળમાં જે થયું, તેનાથી લોકશાહીને નષ્ટ કરવાનો રસ્તો બન્યો છે. લોકશાહીને જેટલું નુકસાન ભાજપે પહોંચાડ્યું છે, તેવું નુકસાન કદાચ અન્ય કોઈએ કર્યું નથી. ભાજપની આંખોમાં દીદી ખૂંચે છે કારણ કે તેઓ નારી શક્તિને ક્યારેય આગળ વધતી જોઈ શકતા નથી. અહીં મતદાન ચોક્કસ થયું છે, પરંતુ લોકોએ પોતાની સ્વેચ્છાએ ઓછું અને દબાણ હેઠળ વધારે મતદાન કર્યું છે.’
‘ભાજપ મહિલાઓને પ્રગતિ કરતા જોઈ શકતા નથી’
અખિલેશે વધુમાં કહ્યું કે, ‘ભાજપની આંખોમાં દીદી એટલે ખૂંચે છે કારણ કે તે દેશની અડધી આબાદી એટલે કે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપની વિચારધારા સામંતશાહી છે અને તેમના સાથીદારો પુરુષવાદી માનસિકતા ધરાવે છે, જેઓ મહિલાઓને પ્રગતિ કરતા જોઈ શકતા નથી.
આ પણ વાંચો : બંગાળ બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં ધરે તો સર્જાશે અભૂતપૂર્વ સ્થિતિ
તમામ સંસ્થાઓએ વિશ્વનીયતા ગુમાવી : સપા નેતા
અખિલેશે વધુમાં ઉમેર્યું હતું કે જે સંસ્થાઓનું કામ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું હતું, તે તમામ સંસ્થાઓએ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તેમણે ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં પણ સુરક્ષા દળોનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. બંગાળમાં પણ લોકશાહીને ખતમ કરવાનો રસ્તો શોધવામાં આવ્યો છે.
રાજીનામું આપવાનો મમતાનો ઈનકાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 207 બેઠકો પર જીત મેળવીને પ્રચંડ બહુમતી હાંસલ કરી છે, જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને માત્ર 80 બેઠકો મળી છે. ભાજપની આ મોટી જીત છતાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.



