‘હવે ભારતની રાહ નહીં જોઈએ, અમે ચીન પાસે જઈશું…’, બંગાળમાં સત્તા પલટા બાદ બાંગ્લાદેશનું ચોંકાવનારું નિવેદન | Teesta River Dispute Bangladesh to Seek China s Help After BJP s Victory in Bengal

Teesta River Dispute: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થતાની સાથે જ પડોશી દેશ બાંગ્લાદેશે ભારત સાથેના વર્ષો જૂના તીસ્તા જળ વિવાદને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ હવે તીસ્તા કરાર માટે ભારતની રાહ જોઈ શકે તેમ નથી અને આ મુદ્દે હવે તેઓ ચીન સાથે હાથ મિલાવવાની તૈયારી કરી રહ્યા છે.
તીસ્તા કરાર માટે હવે ચીનનો સહારો
બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન ટૂંક સમયમાં ચીનની સત્તાવાર મુલાકાતે જવાના છે. આ પ્રવાસ પહેલા મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તીસ્તા નદી પરિયોજના તેમના દેશ માટે અત્યંત જરૂરી છે અને ચીન સાથેની વાતચીતના એજન્ડામાં આ પ્રોજેક્ટ ટોચ પર રહેશે. બાંગ્લાદેશ આ પ્રોજેક્ટ માટે ચીન પાસેથી ઓછા વ્યાજ દરે લોન અને મોટા રોકાણની અપેક્ષા રાખી રહ્યું છે. રહેમાન ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી આ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે.
બંગાળમાં ભાજપની જીત અને બાંગ્લાદેશનું વલણ
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલું આ નિવેદન ઘણું સૂચક માનવામાં આવે છે. જ્યારે વિદેશ મંત્રી ખલીલુર રહેમાનને પૂછવામાં આવ્યું કે શું પશ્ચિમ બંગાળમાં નવી સરકાર બનવાથી કોઈ ફેરફાર આવશે, ત્યારે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘બંગાળમાં હજુ નવી સરકારની રચના થઈ નથી અને તેઓ શું વિચારે છે કે ભવિષ્યમાં શું કરશે તે જાણવું મારું કામ નથી.’ તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ હવે આ બાબતે હાથ પર હાથ ધરીને બેસી રહેશે નહીં અને પોતાના દેશના હિતોનું રક્ષણ કરવા માટે મક્કમતાથી આગળ વધશે.
શું છે તીસ્તા વિવાદ?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 54 નદીઓ વહે છે, પરંતુ અત્યાર સુધી માત્ર ગંગા અને કુશિયારા નદી પર જ સમજૂતી થઈ શકી છે. તીસ્તા નદીના પાણીના સમાન હિસ્સા માટે બાંગ્લાદેશ લાંબા સમયથી માંગ કરી રહ્યું છે. 1983માં એક કામચલાઉ સમજૂતી થઈ હતી, પરંતુ તે ક્યારેય પૂર્ણ રીતે અમલમાં આવી શકી નહીં. 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ વખતે પણ આ મુદ્દે સહમતી સાધવાના પ્રયાસો થયા હતા, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારના વિરોધને કારણે આ કરાર હંમેશા અટવાયેલો રહ્યો છે. હવે બાંગ્લાદેશનું ચીન તરફનું ઝુકાવ દક્ષિણ એશિયાના રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે.



