શાંતિ કે યુદ્ધ નક્કી કરવા ઇરાન પાસે 48 કલાક | Iran has 48 hours to decide peace or war

![]()
– યુદ્ધ ખતમ કરવા ઇરાન-અમેરિકા વચ્ચે 14 મુદ્દાની સમજૂતીનો ડ્રાફ્ટ
– પરમાણુ કાર્યક્રમના મુદ્દે વાત અટવાઈ બાકી બધી જ બાબતોમાં સમજૂતી થયાનો વ્હાઇટ હાઉસનો દાવો
નવી દિલ્હી : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્દ થવાનું આશાનું કિરણ નજરે પડી રહ્યુ છે. બંને દેશ વચ્ચે ૧૪ પોઇન્ટની નવી સમજૂતીનો એક મુસદ્દો તૈયાર થયો છે. આવામાં જંગ ખતમ થવાનો અને પરમાણુ શસ્ત્રો અંગે વાતચીત જારી રાખવાનો માર્ગ લગભગ નક્કી થતો નજરે પડે છે. વ્હાઉટ હાઉસનું માનવુ છે કે તે ઇરાન સાથે સમજૂતીની નજીક પહોંચી ગયું છે. આ એક પેજનું સમજૂતીપત્ર (એમઓયુ) હશે.
તેનો હેતુ યુદ્ધ ખતમ કરવાનો અને પરમાણુ મંત્રણા માટે વિસ્તૃત માળખુ તૈયાર કરવાનો છે. અમેરિકાને આશા છે કે આગામી ૪૮ કલાકમાં ઇરાન આ મુદ્દે યોગ્ય પ્રતિસાદ આપશે. જો કે હજી સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી, પરંતુ યુદ્ધ શરૂ થયા પછી બંને દેશો વચ્ચે વાતચીતની આ અત્યંત વિશ્વસનીય સ્થિતિ છે.
આ પ્રસ્તાવિત સમજૂતીમાં ઇરાન પરમાણુ સંવર્ધન પર કામચલાઉ પ્રતિબંધનો સમાવેશ થાય છે. તેની સાથે અમેરિકા ઇરાન પરથી પ્રતિબંધ હટાવશે અને તેની સ્થગિત કરેલી સંપત્તિ છૂટી કરશે. આ ઉપરાંત બંને દેશ હોર્મુઝમાંથી પસાર થનારા જહાજ પરથી પ્રતિબંધ હટાવશે. જો કે આ બધી શરતોનો મોટો હિસ્સો અંતિમ સમાધાન પર નિર્ભર હશે. તેનો અર્થ એમ પણ કરી શકાય કે જો સમાધાન ન થયુ તો યુદ્ધ ફરીથી શરૂ થઈ શકે છે.
વ્હાઇટ હાઉસને લાગે છે કે ઇરાનની ટીમમાં મતભેદ છે. તેથી સમજૂતીમાં મુશ્કેલી આવી શકે છે. કેટલાક અમેરિકન અધિકારીઓને હજી પણ શંકા છે કે સમજૂતી થઈ શકશે કે નહીં. અહેવાલ મુજબ ઇરાન આગામી ૪૮ કલાકમાં યુદ્ધવિરામ પર મંજૂરી આપી શકે છે. સમજૂતીના મુસદ્દા મુજબ ઇરાન પરમાણુ કાર્યક્રમને થોડા સમય માટે રોકી શકે છે. તેના બદલામાં અમેરિકા ધીમે-ધીમે પ્રતિબંધ ઘટાડશે અને ઇરાનના જપ્ત કરેલા ડોલર જારી કરશે. જો કે સૌથી મોટો વિવાદ પરમાણુ કાર્યક્રમ રોકવાના સમયગાળા પર છે, ઇરાન પાંચ વર્ષનો પ્રસ્તાવ આપી ચૂક્યુ છે અને અમેરિકા ૨૦ વર્ષ પર અડેલું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાનના પ્રતિનિધિઓ સાથે એક અંતિમ સમજૂતીની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેથી ઓપરેશન પ્રોજેક્ટ ફ્રીડમ રોકી દેવાયું છે.
મધ્યપૂર્વના ઉત્પાદકોને રોજનો 1.3 કરોડ બેરલનો ફટકો
હોર્મુઝની નાકાબંધીથી વૈશ્વિક ઓઇલ સ્ટોરેજમાં ઘટાડો
– એપ્રિલમાં ક્રૂડ ઓઇલ- રિફાઇન્ડ પ્રોડક્ટની નિકાસ મળીને બે કરોડ બેરલ જેટલી ઘટી
નવી દિલ્હી : હોર્મુઝ ઓઇલ બ્લોકેડના લીધે વૈશ્વિક ક્રૂડ ઓઇલ સ્ટોરેજમાં ઘટાડો થઈ રહ્યો છે. તેના કારણે જેટ ફ્યુઅલ, નેપ્થા અને એલપીજી જેવા રિફાઇન્ડ પ્રોડક્ટ્સની કમીથી ઉડ્ડયન અને ઇન્ડસ્ટ્રી સેક્ટર પર અસર પડી રહી છે. મધ્યપૂર્વ એશિયાની કટોકટીના કારણે જાપાને બે વર્ષમાં પહેલી વખત રશિયાના સખાલિન ઓઇલ ક્ષેત્રમાંથી ઓઇલ પુરવઠો મેળવ્યો છે. જાપાન હવે રશિયન પુરવઠાને લાંબા ગાળાના વિકલ્પ તરીકે જોવા માંગે છે, જે દરેક સ્થિતિમાં અવિરત જારી રહે. આ પગલાંને આગામી દિવસોમાં બંને વચ્ચેના રાજકીય તનાવને બાજુએ મૂકીને વ્યાપારિક ભાગીદારી મજબૂત બનાવવાની દિશામાં લેવાતા પગલાં તરીકે પણ જોવાઈ રહ્યો છે. જાપાન ફક્ત ક્રૂડ ઓઇલના કારણે કોઈપણ રીતે આર્થિક ફટકો સહન કરવા માંગતુ નથી.
વિશ્વમાં કોઈપણ સમયે વૈશ્વિક ઓઇલ પુરવઠો ૫૦ દિવસનો રહેતો હતો, જે હાલમાં ફક્ત અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે ૪૫ દિવસનો થઈ ગયો છે. વર્તમાન ભંડાર વિશ્વની ૧૦૧ દિવસની માંગ પૂરી કરવા જ સક્ષમ છે. આ બતાવે છે કે યુદ્ધના લીધે વૈશ્વિક ઓઇલ પુરવઠો ઝડપથી ખાલી થઈ રહ્યો છે. આ યુદ્ધના લીધે મધ્યપૂર્વના ક્રૂડ ઓઇલના ઉત્પાદકોને દૈનિક ધોરણે ૧.૩ કરોડ બેરલનો ફટકો પડયો છે, આ ફક્ત ક્રૂડનો આંકડો છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના પ્રમુખ ફાતિહ બિરોલે એપ્રિલમાં જણાવ્યુ હતું કે ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઉત્પાદનોની નિકાસમાં બે કરોડ બેરલનો ઘટાડો થયો છે.
ભારતના કેટલાક એલપીજી ટેન્કર હોર્મુઝમાં ફસાયેલા
હોર્મુઝમાં તંગદિલીથી ભારતના એલપીજી મુદ્દે ચિંતાજનક સ્થિતિ
– ભારતમાં હાલમાં 33 કરોડ એલપીજી જોડાણ હોવાથી સ્થિતિ ખરાબ થઈ શકે છે
નવી દિલ્હી : હોર્મુઝની ખાડીમાં વધેલા તનાવના કારણે ભારતના એલપીજી પુરવઠાને લઈને ભયજનક સ્થિતિનું નિર્માણ થયું છે. અમેરિકન લશ્કરે ઇરાન સાથે જોડાયેલી સેવન ફાસ્ટ બોટ્સને ખતમ કરી નાખતા હોર્મુઝમાં તનાવ વધ્યો છે.
આમ મધ્યપૂર્વમાં મહત્ત્વના સમુદ્રી માર્ગે હોર્મુઝની ખાડીમાં વધતા તનાવે વૈશ્વિક સપ્લાય ચેઇનને મોટો ઝાટકો આપ્યો છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે આ સમગ્ર ઓપરેશનને માનવીય સહાય માટેનો પ્રયત્ન ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે આ પગલું ફક્ત ઉર્જા સુરક્ષા જ નહીં પણ જરુરી ખાદ્ય વસ્તુઓની સપ્લાય માટે ઉઠાવવામાં આવ્યું છે. ભારતના હજી કેટલાક એલપીજી ટેન્કર હોર્મુઝમાં ફસાયેલા છે.
તેમણે ખાસ કરીને ભારતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અહીં અબજો લોકો તેમનું જમવાનું બનાવવા માટે એલપીજી પર આધારિત છે. તેથી એલપીજીના સપ્લાયમાં અવરોધ ભારત માટે મોટી તકલીફ બની શકે છે. ભારતમાં મોટી વસ્તી જમવાનું બનાવવા એલપીજી પર આધારિત છે. તેથી ગેસની કિંમતોથી વધતી ઉપલબ્ધતા પર અસર પડી શકે છે. ભારતમાં ૩૩ કરોડ એલપીજી ગેસ જોડાણ છે. તેની સામે પીએનજી જોડાણ માંડ ૩૦ માર્ચના અંતે ૧.૬૨ કરોડ હતા. જો કે સરકાર દાવો કરી રહી છે કે જુન ૨૦૨૬ સુધીમા બીજા ૬૦ લાખ પીએનજી જોડાણ આપવામાં આવશે.
સરકારે જણાવ્યું છે કે જો બધા જ એલપીજી જોડાણનું પીએનજીમાં રૂપાંતર કરવામાં આવે તો પણ ઘરઆંગણેના ઉત્પાદનથી જ આ માંગ સંતોષી શકાય છે.



