પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada csis interference allegations khalistani extremism report

![]()
India Canada Relations 2026: કેનેડાની ગુપ્તચર એજન્સી કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસે (CSIS) તેના વાર્ષિક અહેવાલમાં ભારત પર અન્ય દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અહેવાલને ભારતીય વિદેશ મંત્રાલયે સદંતર ફગાવી દેતા તેને પાયાવિહોણા આક્ષેપો ગણાવ્યા છે. કેનેડાને સ્થાપિત ચેનલ દ્વારા અને મામલાઓ મીડિયામાં ઉછાળી નેરેટિવ બિલ્ડ ન કરવા માટે પણ ટકોર કરી છે.
ભારતનું કડક વલણ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સ્પષ્ટ કર્યું કે, ભારત એક એવી લોકશાહી છે જે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરે છે અને અન્ય રાષ્ટ્રોની સાર્વભૌમત્વનું સન્માન કરે છે. બીજા દેશોની આંતરિક બાબતોમાં દખલ કરવી એ ભારતની નીતિ નથી. રાજકીય એજન્ડા સેટ કરવાને બદલે કોઈપણ ચિંતાઓને સ્થાપિત મિકેનિઝમ દ્વારા ઉકેલવી જોઈએ.
આ પણ વાંચો : બંગાળ બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં ધરે તો સર્જાશે અભૂતપૂર્વ સ્થિતિ
કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ પર ભારતનો પ્રહાર
CSIS ના અહેવાલમાં ભારત પર આક્ષેપોની સાથે સાથે કેનેડામાં સક્રિય ખાલિસ્તાની ઉગ્રવાદીઓ (CBKEs) અંગે પણ મહત્વના ખુલાસા થયા છે. અહેવાલ મુજબ, કેનેડા સ્થિત કેટલાક તત્વો ભારતમાં હિંસા ફેલાવવા માટે કેનેડિયન સંસ્થાઓનો ઉપયોગ કરીને ભંડોળ એકત્ર કરી રહ્યા છે. ભારતે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે કે કેનેડાની ધરતીનો ઉપયોગ ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા સેફ હેવન તરીકે કરવામાં આવી રહ્યો છે. કેનેડાની એજન્સીએ પોતે સ્વીકાર્યું છે કે શિખ ઉગ્રવાદી તત્વો કેનેડાને બેઝ બનાવીને ભારત વિરુદ્ધ હિંસક યોજનાઓ ઘડી રહ્યા છે.
અહેવાલમાં નવો વળાંક
નોંધનીય છે કે 2024 ના અહેવાલની તુલનામાં આ વખતે CSIS એ ભારત પ્રત્યે થોડો નરમ અભિગમ અપનાવ્યો છે. અહેવાલમાં હાર્દિપ સિંહ નિજ્જરની હત્યા અથવા તેમાં ભારતની કથિત સંડોવણીનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેને ભારત અગાઉ જ ફગાવી ચૂક્યું છે. સરકાર બદલાયા બાદ કેનેડા સુર પણ બદલ્યાં છે.



