મિડલ ઈસ્ટ યુદ્ધ: ઓઈલ અને ગેસની ચિંતા વચ્ચે દિલ્હીની હાઈલેવલ બેઠકમાં 3 મોટા નિર્ણય | PM Modi s 3 Phase Strategy to Shield India from Middle East War Impact Inflation

PM Modi CCS Meeting: મધ્ય-પૂર્વ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા, પીએમ મોદીએ રવિવારે રાત્રે દિલ્હીમાં સુરક્ષા વિષયક કેબિનેટ સમિતિ (CCS)ની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ હાઈલેવલ મીટિંગમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ ભોગે દેશમાં ઇંધણ અને ગેસનો સપ્લાય ખોરવાવો જોઈએ નહીં. વીજળીના મોરચે પણ સરકારે આશ્વાસન આપ્યું છે કે કોલસાનો જથ્થો પર્યાપ્ત હોવાથી કોઈ કટોકટી સર્જાશે નહીં. આ આયોજનથી જનતામાં ફેલાયેલો ડર દૂર થશે અને દેશની આર્થિક સ્થિતિ જાળવી રાખી મોંઘવારીને નિયંત્રણમાં રાખવામાં આવશે.
પેટ્રોલિયમ અને ગેસ માટે વ્યૂહરચના
પીએમ મોદી અને વરિષ્ઠ મંત્રીઓ વચ્ચેની આ બેઠકમાં ઇંધણની સુરક્ષા માટે ખાસ રણનીતિ ઘડાઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું આશરે 85% ક્રૂડ ઓઇલ, 50% કુદરતી ગેસ અને 60% એલપીજી વિદેશી બજારોમાંથી મંગાવે છે. છેલ્લા 24 દિવસથી મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે આ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, જેને પહોંચી વળવા સરકાર હવે મજબૂત પગલાં લઈ રહી છે.
આ પડકારને પહોંચી વળવા ભારત સરકારે 11 મહત્ત્વના સેક્ટરો માટે ત્રણ સ્તરીય રણનીતિ(Three-pronged strategy) બનાવવાનો નિર્ણય લીધો છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ સતત મળતી રહે તે માટે ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના આયોજન પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ 11 સેક્ટરો પર રહેશે ખાસ ફોકસ
કેબિનેટ બેઠકમાં કૃષિ, ખાતર, ખાદ્ય સુરક્ષા, પેટ્રોલિયમ, વીજળી, MSME, નિકાસકારો, શિપિંગ, વેપાર, નાણાં અને સપ્લાય ચેઈન સહિતના 11 મહત્ત્વના ક્ષેત્રો પર યુદ્ધની અસરની સમીક્ષા કરવામાં આવી. સરકારે ફાર્મા અને કેમિકલ ઉદ્યોગ માટે આયાતના સ્ત્રોતોમાં વિવિધતા લાવવા તેમજ ખાતરની અછત નિવારવા વૈકલ્પિક દેશો શોધવા પર ભાર મૂક્યો છે. આ સાથે, ભારતીય સામાન માટે નવા નિકાસ બજારો વિકસાવવા અને પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પર્યાપ્ત સ્ટોક જાળવી વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાનો નિર્ણય લેવાયો છે.
ખેડૂતોની જરૂરિયાતોનું ધ્યાન રખાયું
પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે સરકારે આગામી ખરીફ સીઝન માટે ખાતરની જરૂરિયાતનો અંદાજ મેળવી લીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તૈયાર કરાયેલા બફર સ્ટોકને કારણે દેશમાં ખાતરની અછત નહીં સર્જાય અને ખાદ્ય સુરક્ષા જળવાઈ રહેશે. આ ઉપરાંત, જો યુદ્ધને કારણે સપ્લાય રૂટ પ્રભાવિત થાય, તો વૈકલ્પિક દેશો પાસેથી ખાતર મંગાવવાની યોજના પણ તૈયાર છે.
મિડલ ઈસ્ટ સંકટ સામે લડવા ભારતનો થ્રી-ફેઝ પ્લાન
સરકારે આ સંકટને ત્રણ ભાગમાં વહેંચીને સુરક્ષાના પગલાં (Counter-measures) તૈયાર કર્યા છે.
1. ટૂંકા ગાળાનો પ્લાન(Short-term): તાત્કાલિક રાહત
સરકાર દ્વારા સામાન્ય જનતાની પાયાની જરૂરિયાતો જેવી કે અનાજ અને ઈંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે હાલના સ્ટોકની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત, બજારમાં અચાનક મોંઘવારી ન વધે અને ભાવ નિયંત્રણમાં રહે તે હેતુથી સપ્લાય ચેઈનને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે જરૂરી આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમે ધમકીઓથી ડરતા નથી! હોર્મુઝ સ્ટ્રેટ અંગે ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ ઈરાનનો જવાબ
2. મધ્યમ ગાળાનો પ્લાન(Medium-term): સ્થિરતા જાળવવી
જો મધ્ય-પૂર્વનું યુદ્ધ લાંબુ ખેંચાય તો પણ દેશમાં અછત ન સર્જાય તે માટે સરકારે તેલ અને ખાતરની આયાત કરવા માટે વૈકલ્પિક દેશો અને નવા દરિયાઈ રસ્તાઓ પર ગંભીરતાથી ચર્ચા કરી છે. આ ઉપરાંત, ભવિષ્યની કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે અનાજ અને ઈંધણના સરકારી ભંડારો એટલે કે બફર સ્ટોકને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાની ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે.
3. લાંબા ગાળાનો પ્લાન(Long-term): આત્મનિર્ભરતા
ભવિષ્યમાં સર્જાનારા આવા કોઈપણ વૈશ્વિક સંકટો સામે રક્ષણ મેળવવા માટે ભારતની પોતાની ઉત્પાદન ક્ષમતા, ખાસ કરીને MSMEs અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ દેશની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડી રિન્યુએબલ એનર્જી (વૈકલ્પિક ઊર્જા)ના પ્રોજેક્ટ્સમાં ઝડપ લાવવાનું નક્કી કરાયું છે, જેથી લાંબા ગાળે ભારત આત્મનિર્ભર બની શકે.




