ન કારણ દર્શાવ્યું, ન મહોલત આપી : યુ.એ.ઈ.એ હજ્જારો પાકિસ્તાનીઓને રાતોરાત બિસ્તરા બંધાવ્યા | UAE deported thousands of Pakistanis overnight

![]()
– અમેરિકા-ઇરાન વચ્ચે મધ્યસ્થતા કરવી પાકિસ્તાનને ભારે પડી, યુ.એ.ઈ. તેથી નારાજ થયું : હજ્જારો શિયાપંથી પાકિસ્તાનીઓને કાઢી મુક્યા
દુબઈ : અમેરિકા-ઇરાન વચ્ચે મધ્યસ્થી થવાનું પાકિસ્તાનને ભારે પડયું છે. યુ.એ.ઈ. તેથી ઘણું જ નારાજ છે. તેણે કોઈ પણ કારણ દર્શાવ્યા સિવાય કે કોઈ પણ મહોલત આપ્યા સિવાય હજ્જારો પાકિસ્તાની કામદારોને બિસ્તરા-પોટલા બંધાવી દીધા છે.
અમેરિકા-ઇરાન યુધ્ધમાં, ઇરાને યુ.એ.ઈ. સહિત કેટલાએ સુન્ની પંથી, આરબ દેશો ઉપર હુમલા કરતાં, આરબ દેશો તો નારાજ થયા જ છે, તે પૈકી સૌથી વધુ નુકસાન ભોગવનાર યુનાઇટેડ આરબ અમીરાત (યુ.એ.ઈ.) તો અત્યંત નારાજ થયું છે. તેનું એક કારણ તે પણ છે કે, ઇરાન શિયાપંથી છે. જયારે આરબ દેશો સુન્ની પંથી છે. આથી યુ.એ.ઈ.એ પાકિસ્તાનથી પેટયુ રળવા મજૂર તરીકે આવતા હજ્જારો શિયાપંથી કામદારોને રાતોરાત કોઈપણ કારણ દર્શાવ્યા સિવાય યુ.એ.ઈ. છોડી દેવા હુકમ કર્યો છે. તેમને મહોલત પણ આપવામાં આવી નથી.
યુ.એ.ઈ.ની નારાજગી તે કારણસર પણ છે કે, ઇરાન-અમેરિકા વચ્ચેની મંત્રણામાં પાકિસ્તાને એક તરફ મહત્વની ભૂમિકા ભજવી હતી. તો બીજી તરફ યુ.એ.ઈ. ઉપર ઇરાને કરેલા મિસાઇલ હુમલાની કડક ટીકા પણ કરી ન હતી. તેથી તે પાકિસ્તાની કામદારો પર સખ્ત કાર્યવાહી કરે છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું છે કે, તેણે પાકિસ્તાની કામદારો અને તેમના નેતાઓ સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ અમે પાકિસ્તાની કામદારો અને તેમના નેતાઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમોને કોઈ પણ કારણ દર્શાવ્યા સિવાય જ પહેલા તો અટકાયતમાં લઈ લીધા પછી તત્કાળ યુ.એ.ઈ. છોડવા હુકમ કર્યો.
પાકિસ્તાનના શિયાપંથી નેતાઓનું કહેવું છે કે, તેઓ શિયાપંથી હોવાને લીધે જ, તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. કારણ કે ઇરાન પણ શિયાપંથી છે.
અત્યારે તો હજ્જારો પાકિસ્તાની કુટુંબો આ નિર્વાસનથી દુ:ખી દુ:ખી થઈ ગયા છે.



