મધદરિયે ફરી વધ્યો તણાવ: દક્ષિણ કોરિયાએ ચીનની 2 બોટ દબોચી, એકનું મોત | South Korea Seizes Chinese Fishing Boats Near NLL Sailor Dies of Heart Attack

![]()
South Korea Coast Guard Seizure: દક્ષિણ કોરિયાના કોસ્ટ ગાર્ડે શનિવારે પશ્ચિમ સમુદ્રમાં આવેલા બેંગ્ન્યોંગ ટાપુ નજીકથી ચીનની બે લડાયક બોટને જપ્ત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બોટ દક્ષિણ કોરિયાની દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરી રહી હોવાની આશંકા છે. આ બંને જહાજો ‘નોર્ધન લિમિટ લાઇન’ (NLL) ઓળંગીને દક્ષિણ કોરિયાના વિસ્તારમાં 3 કિલોમીટર સુધી અંદર આવી ગયા હતા. શુક્રવારે રાત્રે આશરે 8 વાગ્યે જ્યારે કોસ્ટ ગાર્ડે દરોડો પાડ્યો, ત્યારે તેઓ ટાપુથી 14.8 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં પકડાયા હતા.
કાર્યવાહી દરમિયાન નાવિકનું હાર્ટ એટેકથી મૃત્યુ
દક્ષિણ કોરિયાના કોસ્ટ ગાર્ડ દ્વારા જ્યારે ચીની બોટને પકડવાની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક 40 વર્ષના ચીની નાવિકની તબિયત અચાનક લથડી હતી અને તેને હાર્ટ એટેક આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેને બચાવવા માટે તાત્કાલિક પ્રાથમિક સારવાર (CPR) આપી અને હોસ્પિટલ ભેગો કર્યો, પરંતુ કમનસીબે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બોટ પરના અન્ય સાથીદારોના જણાવ્યા અનુસાર, તે નાવિકે ખૂબ જ વધારે પડતો દારૂ પીધો હતો. હાલમાં દક્ષિણ કોરિયાની સરકારે આ બાબતે ચીની દૂતાવાસને જાણ કરી છે અને બોટના અન્ય સભ્યોની વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ઈરાનને હથિયાર ખરીદવામાં મદદ કરનારા સામે ટ્રમ્પ લાલઘૂમ, 10 કંપનીઓ પર બૅન મૂક્યો
દરિયાઈ સીમા પર સંઘર્ષનો ઇતિહાસ
ચીન દ્વારા દક્ષિણ કોરિયાની જળસીમાનું ઉલ્લંઘન કરવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા વર્ષ 2014માં પણ આવી જ એક ગંભીર ઘટના બની હતી. તે સમયે દક્ષિણ કોરિયાના પશ્ચિમ કિનારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓના શંકાસ્પદ જહાજને રોકતી વખતે ચીની કેપ્ટન અને કોસ્ટ ગાર્ડ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તે સંઘર્ષમાં કોસ્ટ ગાર્ડના જવાન દ્વારા સ્વબચાવમાં ચલાવવામાં આવેલી ગોળી વાગવાથી 45 વર્ષીય ચીની કેપ્ટનનું મોત નીપજ્યું હતું. આ તાજી ઘટના બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ વધવાની શક્યતા છે.



