મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 hours against death amid drone attack and firing in the Mediterranean

![]()
અમેરિકા- ઈરાન વચ્ચે યુધ્ધવિરામનો ભંગ, ભારતીયો શિકાર બન્યા : ભારત વિશ્વગુરૂ બનવા તરફ જઈ રહ્યું હોય, તો દરિયાની મધ્યમાં તેના નાગરિકો અસહાય અવસ્થામાં કેમ છે? એવા સવાલ સાથે સરકાર પાસે ન્યાયની ગુહાર
સલાયા, : આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને યુદ્ધના મેદાનમાં જ્યારે બે દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) જાહેર થાય છે, ત્યારે તેનો આશય નિર્દોષોના જીવ બચાવવાનો હોય છે. પરંતુ ગત 7 મેના રોજ દુબઈથી યમન જનરલ કાર્ગો ભરીને નીકળેલા સલાયાના ભારતીય માલવાહક વહાણ ‘અલ ફાઈઝ નૂર સુલેમાની-1’ સાથે જે બન્યું તે માનવતા અને આંતરરાષ્ટ્રીય નિયમો પર કલંક સમાન છે. અમરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર અમલમાં હોવા છતાં, આ વહાણ પર અંધાધૂંધ ફાયરિંગ સાથે ઘાતક ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જેમાં વહાણે જળસમાધિ લીધી, સાથે એક હસતા-રમતા ભારતીય પરિવારની છત્રછાયા છીનવી લીધી છે.
મધદરિયે ભયાનક ફાયરિંગ વચ્ચે અચાનક થયેલો ડ્રોન હુમલો એટલો પ્રચંડ હતો કે વહાણના બે ટુકડા થઈ ગયા હતા. વહાણ ડૂબવા લાગતા, જીવ બચાવવા માટે 18 ખલાસીઓએ દરિયામાં ઝંપલાવ્યું. આ કરૂણ દ્રશ્ય કલ્પનાની બહારનું છે. એક તરફ સાથીદારની લાશ અને બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા 4 થી 5 ખલાસીઓ. દરિયાના મોજા વચ્ચે એક પ્લાસ્ટિકની પાણીની ટાંકીના સહારે આ 17 ખલાસીઓએ અંદાજે 10 કલાક સુધી મોત સામે સંઘર્ષ કર્યો. ટાંકીની ઉપર મૃતક યુવાનની લાશ મૂકીને, બાકીના ખલાસીઓ ટાંકીને વળગી રહ્યા. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે નજીકમાં હાજર હોવા છતાં કોઈ આર્મી દ્વારા મદદ મળી નહોતી. અંતે, સલાયાના જ અન્ય એક વહાણે આ ખલાસીઓને બચાવી માનવતાનું ઉદાહરણ પૂરૂં પાડયું હતું.
આ ઘટના સીધેસીધી ભારતીય નાગરિકોની સુરક્ષા પર સવાલ ઉઠાવે છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય વહાણો અને ખલાસીઓ કોના ભરોસે? જો સીઝફાયર અમલમાં હોય, તો નિશાન કોણે સાધ્યું? શું ભારત સરકાર આ મુદ્દે સંબંધિત દેશો પાસે ખુલાસો માંગશે? આથક નુકસાન તો મોટું છે જ, પણ જે 17 લોકોએ મોતનો મંજર જોયો છે તેમના માનસિક આઘાતનું શું? જો ભારત વિશ્વગુરૂ બનવા તરફ જઈ રહ્યું હોય, તો દરિયાની મધ્યમાં તેના નાગરિકો અસહાય અવસ્થામાં કેમ છે? તે એક મોટો પ્રશ્ન છે.



