ટ્રમ્પની એચ-1બી કર્મીઓના લઘુત્તમ પગારમાં 30 ટકા વધારાની તૈયારી, ભારતીયોને થશે મોટો ફાયદો | Trump plans to increase minimum wage for H 1B workers by 30 percent

![]()
– એચ-1બી વિઝાધારકો માટેની દરખાસ્તથી ભારતીયો પર અસર થશે
– કંપનીઓ અમેરિકન કર્મચારીઓની તુલનામાં વિદેશી કર્મીઓની ઘણા ઓછા પગારે ભરતી કરતી હોવાનો ટ્રમ્પ સરકારનો દાવો
– લઘુત્તમ પગાર વધવાથી નાની કંપનીઓ માટે એન્ટ્રી લેવલના પદો પર વિદેશી કર્મચારીઓની ભરતી મુશ્કેલ થશે
Donald Trump H1B Visa News : અમેરિકાના શ્રમ વિભાગે ભારતીય પ્રોફેશનલ્સમાં સૌથી વધુ લોકપ્રિય એચ-1બી વિઝા કાર્યક્રમ હેઠળ અગાઉ વિદેશી કર્મચારીઓના લઘુત્તમ પગારમાં નિર્ધારિત મર્યાદા કરતાં 30 ટકા વધારો કરવાની ભલામણ કરી છે. વિદેશી કર્મચારીઓના પગાર વધારા મારફત અમેરિકન નાગરિકો પર વિદેશી કર્મચારીઓના કારણે પડતું દબાણ ઘટાડવાનો ટ્રમ્પ સરકારનો આશય છે.
અમેરિકન શ્રમ વિભાગે 27 માર્ચે સૂચિત નિયમ જાહેર કર્યો હતો, જેના હેઠળ એચ-1બી વિઝા કાર્યક્રમમાં ચાર શ્રેણીઓના લઘુત્તમ પગારમાં અંદાજે 30ટકા સુધીની વૃદ્ધિનો પ્રસ્તાવ રજૂ કરાયો છે. વિભાગનો તર્ક છે કે લઘુત્તમ પગારના વર્તમાન માપદંડો લગભગ 20 વર્ષ પહેલા નિશ્ચિત કરાયા હતા અને હવે તે અમેરિકન કર્મચારીઓના હિતોની પર્યાપ્ત સુરક્ષા નથી કરી રહ્યા. શ્રમ વિભાગ મુજબ સૂચિત ફેરફારથી એચ-1બી, એચ1બી1, ઈ-3 અને પીઈઆરએમ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ વર્તમાન લઘુત્તમ પગારમાં જંગી વધારો થશે.
અમેરિકન શ્રમ વિભાગનું કહેવું છે કે પગારની વર્તમાન વ્યવસ્થાના કારણે કંપનીઓ અમેરિકન કર્મચારીઓની સરખામણીમાં વિદેશી કર્મચારીઓની ઘણા ઓછા પગાર પર ભરતી કરે છે. સૂચિત પરિવર્તન એચ-1બી, એચ-1બી1, ઈ-3 અને પીઈઆરએમ લેબર સર્ટિફિકેશન કાર્યક્રમોમાં લાગુ થતા પગાર માપદંડોને ઘણા વધારી દેશે.
આ સૂચિત નિયમો અંગે સ્ટેક હોલ્ડર્સમાં મિશ્ર પ્રતિક્રિયા સામે આવી છે. અનેક લોકોએ શ્રમ વિભાગના આ પગલાંનું સમર્થન કર્યું છે જ્યારે ટીકાકારોનું કહેવું છે કે લઘુત્તમ પગારના માપદંડો વધવાથી નાની કંપનીઓ માટે એન્ટ્રી લેવલના પદો પર વિદેશી કર્મચારીઓની ભરતી કરવી મુશ્કેલ થઈ શકે છે. આ પ્રસ્તાવ પર ૨૬ મે સુધીમાં જાહેર ટીપ્પણીઓ માગવામાં આવી છે. ત્યાર બાદ શ્રમ વિભાગ બધી પ્રતિક્રિયાઓની સમીક્ષા કરીને અંતિમ નિર્ણય જાહેર કરશે.
ટ્રમ્પ સરકારે તેના પહેલા કાર્યકાળમાં પણ ૨0૨0માં અગાઉથી માહિતી આપ્યા વિના પગારના માપદંડોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાયદાકીય પડકારોના પગલે તેણે આ ફેરફારો પાછા લેવા પડયા હતા. ગયા વર્ષે સરકારે અમેરિકાની બહાર હોય તેવા એચ-1બી ઉમેદવારો માટે એક લાખ ડોલર ફી પણ લાગુ કરી હતી. આ આદેશમાં શ્રણ વિભાગને એચ-1બી કાર્યક્રમના પગાર માપદંડોમાં સુધારાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ અપાયો હતો.



