‘અમારી પાસે વધારાનું ઓઇલ જ નથી, અમેરિકા ખોટું બોલી રહ્યું છે…’ ટ્રમ્પે આપેલી છૂટ પર ઈરાનનો પલટવાર | America Iran War Strait of Hormuz Iran response to Donald Trump Crude concession

![]()
Strait of Hormuz: અમેરિકાએ જાહેરાત કરી છે કે ઈરાનના ક્રૂડ ઓઇલ પર લાગેલા પ્રતિબંધોમાં 30 દિવસ માટે ઢીલ આપવામાં આવી રહી છે. જેનો અર્થ એ છે કે, 20 માર્ચથી 19 એપ્રિલ સુધી જે ક્રૂડ ઓઇલ સમુદ્રમાં જહાજો પર ભરેલું પડ્યું છે, તેને વેચી શકશે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે કહ્યું કે, આનાથી લગભગ 14 કરોડ બેરલ ઓઇલ બજારમાં આવી શકે છે. પરંતુ આ બાબતે ઈરાન તરફથી જે વળતો જવાબ આવ્યો છે તે કદાચ ટ્રમ્પને ના પસંદ પડશે.
‘તમે જે છૂટ આપી તે નકામી છે’
ઈરાનના પેટ્રોલિયમ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટપણે લખ્યું છે કે, ‘અમારી પાસે સમુદ્રમાં ફસાયેલું કે બહાર મોકલવા માટે કોઈ વધારાનું ઓઇલ છે જ નહીં.’ તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાનું આ નિવેદન માત્ર બજારને ખોટી આશા આપવા માટે છે. હકીકતમાં એટલું ઓઇલ છે જ નહીં જેટલું અમેરિકા જણાવી રહ્યું છે. એટલે કે ઈરાન કહી રહ્યું છે, ‘તમે જે છૂટ આપી તે નકામી છે. ઓઇલ જ નથી તો છૂટનો શું ફાયદો?’
કોણ સાચું બોલી રહ્યું છે?
અમેરિકાનો દાવો છે કે સમુદ્રમાં ઈરાનના ઓઇલથી ભરેલા જહાજો ફસાયેલા છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે તેઓ બહાર નીકળી શકતા નથી. અમે તેમને 30 દિવસની છૂટ આપી રહ્યા છીએ જેથી આ ઓઇલ બજારમાં આવે અને કિંમતો નીચે જાય. સામે ઈરાને પણ ટ્રમ્પની નીતિને રોકડું પરખાવ્યું છે અને કહ્યું છે કે આવો કોઈ મોટો જથ્થો અસ્તિત્વમાં જ નથી. આ બધું અમેરિકાનો પ્રોપેગન્ડા છે. બજારને શાંત બતાવવા માટે ખોટું બોલવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે બંને પોતપોતાના ફાયદા માટે બોલી રહ્યા છે. અમેરિકા ઇચ્છે છે કે બજારમાં એવા સમાચાર જાય કે ઓઇલ આવવાનું છે, જેના કારણે કિંમતોમાં ઘટાડો થાય. બીજી તરફ, ઈરાન નથી ઇચ્છતું કે દુનિયાને એવું લાગે કે અમેરિકાની ચાલ કામ કરી રહી છે.
શું છે આખી તસવીર?
આ સમગ્ર મામલો માત્ર ઓઇલનો જ નથી, પરંતુ એક મોટી રાજ રમતનો હિસ્સો છે. એક તરફ અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર સૈન્ય અને આર્થિક બંને રીતે દબાણ બનાવી રહ્યા છે. બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે વિશ્વનું 20 ટકા ઓઇલ અટકી પડ્યું છે. આનાથી ઓઇલના ભાવ વધી રહ્યા છે અને ભાવ વધવાને કારણે અમેરિકામાં પણ મોંઘવારી આવે છે, જે ટ્રમ્પને બિલકુલ પસંદ નથી. તેથી ટ્રમ્પ સરકાર એકસાથે બે કામ કરવા માંગે છે, ઈરાન પર દબાણ પણ જાળવી રાખવું અને ઓઇલની કિંમતોને પણ કાબૂમાં રાખવી.
ભારત પર તેની શું અસર પડશે?
ભારત વિશ્વના સૌથી મોટા ઓઇલ ખરીદદારોમાંનું એક છે. આપણે આપણી જરૂરિયાતનું મોટાભાગનું ઓઇલ બહારથી મંગાવીએ છીએ. ભલે ભારત સીધી રીતે ઈરાન પાસેથી લાંબા સમયથી ઓઇલ ખરીદતું નથી, પરંતુ જ્યારે વિશ્વમાં ઓઇલ મોંઘું થાય છે ત્યારે આપણે પણ મોંઘું ઓઇલ ખરીદવું પડે છે. આનાથી પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય છે, માલસામાનની હેરફેર મોંઘી થાય છે અને સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર પડે છે. તેથી જ ભારત ચીન જેવા દેશો પર ખાડી દેશોના યુદ્ધની માઠી અસર પડી રહી છે.
યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં આગ
યુદ્ધ શરૂ થયા પછી અને મિડલ ઈસ્ટમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઈરાની હુમલાઓ બાદ ઓઇલ અને ગેસની કિંમતોમાં ઝડપથી વધારો થયો છે. ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 112 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં કુલ 53%નો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે અમેરિકાની આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની અછત દૂર થવાની સાથે સાથે કિંમતો ઘટવાની શક્યતા છે. ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ઓઇલ આયાત કરે છે. આ નિર્ણયથી ભારતને બે રીતે ફાયદો થઈ શકે છે. જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 90-95 ડૉલરની આસપાસ આવે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અટકશે. ઓઇલ સસ્તું થવાથી ભારતનું વિદેશી મુદ્રા ભંડાર બચશે અને ડૉલર સામે રૂપિયો મજબૂત થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધમાંથી પીછેહઠની તૈયારીમાં?
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના 21મા દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારો ‘એક્ઝિટ પ્લાન’ આપ્યો છે. જે બાદ હવે અમેરિકા સીઝફાયર માટે રાજી થાય તેવી અટકળોને વેગ મળ્યો છે. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના જે સૈન્ય ઉદ્દેશ્યો હતા, તે હવે પૂર્ણ થવાના આરે છે. જે બાદ હવે અમેરિકા સૈન્ય કાર્યવાહી ધીમે ધીમે ઓછી કરવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પ પોતાની ઉપલબ્ધિઓને જીત માની રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમે ઈરાનની મિસાઇલ ક્ષમતા, સંરક્ષણ ઉદ્યોગ, નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે નષ્ટ કરી નાંખી. અમે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દઈશું નહીં. અમે ઈઝરાયલની સાથે સાથે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, બહેરીન અને કુવૈતની પણ રક્ષા કરી અને આગળ પણ કરતાં રહીશું.
સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અંગે પણ અમેરિકાએ હાથ અદ્ધર કર્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુદ્ધના કારણે જ્યાં લાખો કરોડના ઓઇલ અને ગેસનો વેપાર ઠપ થઈ ગયો છે. ત્યાં હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે જે દેશો હોર્મુઝ સ્ટ્રેટથી પોતાના જહાજો લઈ જતાં હોય તે ત્યાંની સુરક્ષા કરે. જરૂર પડે ત્યારે અમેરિકા મદદ કરશે. પણ સુરક્ષાની જવાબદારી તો તે દેશોની જ હોવી જોઈએ. અમેરિકા ક્યારેય આ રસ્તાનો ઉપયોગ કરતું નથી. જે દેશો અહીંથી ઓઇલ લઈ જતાં હોય અને વેપાર કરતાં હોય તે આગળ આવે.



