126 કરોડની ક્રેડીટ ઉસેટવાના કૌભાંડમાં રાજકોટની મહિલાના જામીન નકારાયા | Rajkot woman denied bail in Rs 126 crore credit scam

![]()
24 બોગસ પેઢીના રીટર્ન CA બિપીન ભંડેરીની ઓફિસમાંથી ફાઇલ થતા અને ડેટા, લોગઇન ક્રેડેન્શિયલ-ઓટીપી પ્રિયંકા સાદરીયા દ્વારા અપાતા હતા
સુરત, : 24 બોગસ પેઢીઓના નામે કુલ રૂ. 126 કરોડની આઈટીસી ઉસેટવાના કૌભાંડમાં ડીજીજીઆઈએ સીજેએસટી એક્ટના ભંગ બદલ જેલભેગી કરેલી રાજકોટની આરોપી મહીલાની સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ વિનોદ વી.પરમારે આરોપીની ગુનામાં સક્રીય સંડોવણી,તપાસ નાજુક તબક્કામાં હોઈ સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવનાનો નિર્દેશ આપી નકારી કાઢી છે.
ડીજીજીઆઈ સુરત ઝોનલની ટીમે 24 બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કૌભાંડ આચરીને ખોટી રીતે 126 કરોડની ક્રેડીટ ઉસેટવાના રેકેટમાં તા. 12મી એપ્રિલના રોજ 36 વર્ષીય આરોપી પ્રિયંકાબેન સાદરીયા (રે.અક્ષર હાઈટ્સ, રીંગરોડ રાજકોટ)ની સીજીએસટી એકટના ભંગ બદલ ધરપકડ કરી હતી. હાલમાં જેલવાસ ભોગવતી આરોપી મહીલાએ જામીન અરજી કરી સુનાવણીમાં બચાવપક્ષે જણાવ્યું હતું કે સહઆરોપીઓના નિવેદનના આધારે આરોપી મહીલાની ગુનામાં ખોટી સંડોવણી કરવામાં આવી છે. આરોપીએ કોઈ આર્થિક લાભ મેળવ્યો નથી. ડીજીજીઆઈએ આરોપીની ધરપકડ વખતે કોઈ મહીલા ઓફીસરને હાજર ન રાખી ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. આરોપીએ સમન્સના આધારે નિવેદન આપીને તપાસમાં સહકાર આપ્યો છે. આ કેસના સહઆરોપી બિપીન ભંડેરી, વૈભવ બોરીચા, જતીન સાકરીયાને હાઈકોર્ટ તથા અમદાવાદની સીટી સીવીલ કોર્ટે જામીન આપ્યા છે. આરોપી મહીલા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા જોઇએ.
જેના વિરોધમાં સરકારપક્ષે ખાસ સરકારી વકીલ ઈમરાન મલેકે જણાવ્યું હતું કે ડીજીજીઆઈએ આરોપીના નિવેદનથી માંડીને ધરપકડ, મેડીકલ તપાસ સહિતની દરેક પ્રક્રિયામાં મહીલા ઓફીસરને હાજર રાખી છે. 24 બોગસ પેઢીઓના બોગસ બીલીંગથી 125 કરોડથી વધુ રકમની ક્રેડીટ ખોટી રીતે ઉસેટવાના કૌભાંડમાં આરોપીની સક્રીય સંડોવણી છે. આરોપી સીએ બિપીન ભંડેરીની ઓફીસમાંથી બોગસ પેઢીઓના ફાઈલ થતાં રીટર્નના જરૂરી ડેટા, લોગીન ક્રેડેન્સિયલ તથા ઓટીપી આરોપી પ્રિયંકા સાદરીયા મારફતે આપવામા આવતા હતા. હાલ ગુનાની તપાસ નાજુક તબક્કામાં છે. સહઆરોપીઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ થયા બાદ જામીન આપવામાં આવ્યા છે. હાલના આરોપીનો કેસ અને ભુમિકા અલગ છે.



