ઉતર પ્રદેશમાં વાવાઝોડાથી 104 લોકોના મોત, રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને PM મોદીને મોકલ્યો સંવેદના સંદેશ | President of Russia putin expresses condolences over damage caused by storms in up

![]()
India-Russia Relationships: ઉત્તર પ્રદેશમાં ગઇકાલે બુધવારે આવેલા વાવાઝોડા અને તોફાને ભારે કહેર વર્તાવ્યો છે. અંદાજે 19 જિલ્લાઓમાં નુકસાનના સમાચાર છે. 100થી વધુ લોકોના મોત થયા છે. આ આપત્તિ પર રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સંવેદના સંદેશ મોકલ્યો છે.
તબાહીને લઈને મારી ઊંડી સંવેદનાઓ: પુતિન
રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ઉત્તર પ્રદેશમાં આ કુદરતી આફતમાં જાન-માલના ભારે નુકસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. રશિયાના વિદેશ મંત્રાલય તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા પુતિનના સંદેશમાં લખ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં આપત્તિથી મોટા પાયે થયેલી તબાહીને લઈને મારી ઊંડી સંવેદનાઓ છે. તેમણે પ્રભાવિત લોકો પ્રત્યે પોતાની ચિંતા પણ વ્યક્ત કરી. રશિયાના રાષ્ટ્ર પ્રમખેખાસ કરીને તે પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, જેમણે આ આપત્તિમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. તેમણે સંદેશમાં લખ્યું કે, આ કુદરતી આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સહાનુભૂતિ છે. હું તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
104 લોકોના મોત
આ અગાઉ, વાવાઝોડાથી ઉત્તર પ્રદેશમાં થયેલા નુકસાનની માહિતી આપતા રિલીફ કમિશનરે જણાવ્યું કે, આ આપત્તિમાં રાજ્યમાં 104 લોકોના મોત થયા છે. જેમાંથી 4 લોકોનો વીજળી પડવાથી જીવ ગયો છે. 52 લોકો ઘાયલ થયા છે. આ આપત્તિમાં પશુઓને પણ ઘણું નુકસાન થયું છે. 13 થી વધુ પશુઓના મોતના સમાચાર છે. 98 થી વધુ ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે.
આ કુદરતી આફત પર UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સંજ્ઞાન લીધું છે અને કલેક્ટર સહિત અન્ય અધિકારીઓને તાત્કાલિક પ્રભાવિત સ્થળો પર જઈને નુકસાનનો અંદાજ મેળવવા નિર્દેશ આપ્યા છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને વળતર પૂરું પાડી શકાય. CMએ તમામ જિલ્લાઓ પાસેથી દર ત્રણ કલાકે સ્ટેટસ રિપોર્ટ મોકલવા માટે પણ જણાવ્યું છે.



