અમદાવાદ
રાજસ્થાનમાં હેડમાસ્ટરના માટલામાંથી પાણી પીવાની સજારૂપે એક દલિત બાળકે જીવ ગુમાવવો પડ્યો. ઝાલોર જિલ્લાના સુરાણાની સરસ્વતી વિદ્યાલયના ત્રીજા ધોરણના વિદ્યાર્થી ઇન્દ્ર મેઘવાલે શનિવારે અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડ્યો. પોલીસે હેડમાસ્ટર છેલસિંહની અટકાયત કરી છે.
MRIમાં ઇન્દ્રના કાન નીચે ગંભીર ઇજા જણાઇ હતી. હોસ્પિટલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે બોલવાની સ્થિતિમાં નથી. પરિવારજનોએ પૂછતા કાન પર હાથ રાખીને ત્યાં માર મરાયો હોવાનો ઇશારો કરે છે. ઝૈલસિંહનું નામ લેવાયું તો કાન પર હાથ મૂક્યો હતો.
બનાવ 20 જુલાઇનો છે. ઇન્દ્રના કાકા કિશોર મેઘવાલે શનિવારે કેસ કર્યો. તેમના જણાવ્યાનુસાર ઇન્દ્રએ છેલસિંહના માટલામાંથી પાણી પીતા તે એટલો ગુસ્સે થયો હતો કે તેણે ઇન્દ્રને સખત માર માર્યો હતો. તે કણસતો ઘરે આવતા પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા. સ્થાનિક હોસ્પિટલ બાદ ઉદયપુરમાં સારવાર કરાવી. આરામ ન મળતા અમદાવાદ રિફર કર્યો હતો, જ્યાં શનિવારે તેનું મોત થયું. આરોપીએ ગામમાં દબાણ લાવીને પરાણે
સમાધાન કરાવી લીધું હતું અને સારવાર માટે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. આ મુદ્દે રાજસ્થાનના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો