गुजरात

અમદાવાદ: બુટલેગરોને રઈશ ફિલ્મ જેવો આઈડિયા અપનાવવો ભારે પડ્યો, કીમિયો જાણીને ચોંકી જશો

અમદાવાદ: રઈશ ફિલ્મ સહુ કોઈએ જોઈ હશે. જેમાં બાળકોને સ્કૂલ બેગમાં તો પાણી વાટે બોટથી દારૂનો જથ્થો સપ્લાય કરી પોલીસથી બચવા આ કિમિયા અપનાવવામાં આવ્યા હોવાની કહાની દર્શાવાઇ હતી. આવી જ એક મોડ્સ ઓપ્રેન્ડીથી દારૂ લઈને આવનાર બે લોકો ઝડપાઇ ગયા છે. બુટના જથ્થાની આડમાં 500 પેટીથી વધુ દારૂનો જથ્થો આવતો હોવાની માહિતી મળતા જ પોલીસે બંનેની ધરપકડ કરી દારૂ આપનાર બે લોકોને પકડવા તજવીજ હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, રામોલ ટોલ ટેક્સ પાસેથી એક ટ્રક પસાર થઈ નરોડા તરફ જવાનો છે જેમાં દારૂનો જથ્થો ભરેલો છે. ત્યારે બાતમીના વર્ણનવાળી પંજાબ પાસિંગની એક ટ્રક આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને રોકી હતી. ડ્રાઇવર ધરમપાલ ઉર્ફે પાલુ સિંગ અને મનજીત નામના બે લોકો કે જે હરિયાણાનો વતની છે તેઓને ટ્રકમાંથી નીચે ઉતારી ટ્રકની તપાસ કરી હતી.  ટ્રકમાં અંદર જઈને મિણીયા હટાવી તપાસ કરી તો તેમાં બુટ ભરેલા બોક્સ મળી આવ્યા હતા. પોલીસ પાસે પાક્કી બાતમી હોવાથી પોલીસે ટ્રકની વચ્ચે અંદર સુધી જઈને જોયું તો ટ્રકના મધ્યમ ભાગે દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી.

પોલીસે આ ટ્રકમાંથી દારૂની પેટીઓ કાઢી અને ગણતરી કરી તો 10.74 લાખની મતાનો એક બ્રાન્ડની 120 પેટીમાંથી 1440 નંગ દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે અન્ય બ્રાન્ડની 2.64 લાખની 120 પેટીમાંથી 1440 નંગ દારૂની બોટલ મળી આવી હતી. બાદમાં વધુ તપાસ કરતા 2.64 લાખની મતાની 44 પેટીમાંથી 2112 બોટલ દારૂ મળી આવ્યો હતો. આમ અલગ અલગ બ્રાન્ડની 31.94 લાખની મતાની 577 પેટી દારુનો જથ્થો પોલીસે કબ્જે કરી બુટનો માલ, ટ્રક સહિત 47.99 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

બંને આરોપીઓની પૂછપરછ કરતા આ દારૂનો માલ પાંચેક દિવસ પહેલા દિલ્હીના સોનુ અને રાજુ નામના શખ્સોએ દિલ્હીથી જ માલ ભરી આપી ઓઢવ ખાતે ઉતારવાનો હોવાનું જણાવી ટ્રક સાથે મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી હવે પોલીસે દિલ્હીના આ બે સોનુ અને રાજુ નામના બુટલેગરોને વોન્ટેડ દર્શાવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Back to top button