गुजरात

ગોધરાઃ લક્ઝરી બસમાં 9 લાખથી વધુનો દારુ ઝડપાયો, છૂપાવવાનો Idea જોઈ પોલીસ પણ માથું ખંઝવાળવા લાગી

ગોધરાઃ લકઝરી બસમાં ચોરખાનું બનાવી વડોદરા તરફ લઈ જવાતાં 3211 બોટલ 9.24 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ગોધરાના દાહોદ હાઇવે ઉપરથી પંચમહાલ પોલીસે બે ખેપિયાની ધરપકડ કરી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે લકઝરી બસમાં બે સીટ વચ્ચે આવેલી જગ્યામાં ખાનું બનાવવામાં આવ્યું હતું જેથી પ્રથમ નજરમાં લકઝરી બસ જો કોઈ તપાસ કરે તો ખાલીખમ જ જોવા મળે.

જોકે પોલીસ પણ બુટલેગરો અને ખેપિયાઓની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી રહી છે. બે દિવસ અગાઉ જ ડામરના ટેન્કરમાં ખાનું બનાવી વડોદરા તરફ લઈ જવાતાં વિદેશી દારૂના જથ્થા સાથે હાલોલ નજીકથી એલસીબીએ બે ખેપિયાની ધરપકડ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ભેજાબાજ ખેપિયાઓ દ્વારા આ પ્રકારે ચોરખાનું બનાવી અગાઉ પણ કેટલીય ખેપ મારી દીધી હોવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં!

વિદેશી દારૂની હેરાફેરી કરતાં ખેપિયાઓ દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરી નીત નવી મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે.બીજી તરફ પોલીસની સતર્કતા અને ચોક્કસ બાતમીદારોના માધ્યમથી આ પ્રકારે હેરાફેરી કરવામાં આવતો વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે.ગોધરા તાલુકા પીઆઇ એમ.કે ખાંટ અને જિલ્લા પોલીસ વડાના રીડર બ્રાન્ચ પીએસઆઇ પી.એન સિંઘને સંયુક્ત રાહે લકઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહી હોવાની બાતમી મળી હતી.

જે બાતમી આધારે પોલીસે ગોધરા દાહોદ હાઈવેના ચંચેલાવ પાસે નાકાબંધી કરી હતી.દરમિયાન બાતમી વાળી લકઝરી બસ આવતાં જ પોલીસે અટકાવી અંદર તપાસ કરતાં ખાલી જોવા મળી હતી. પરંતુ પોલીસે ચાલક અને ક્લીનરને કડકાઈ પૂર્વક પૂછપરછ કરતા જ બે સીટના વચ્ચેના ભાગે ખાનું બનાવી અંદર વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની જાણ થઈ હતી.

જેથી પોલીસે લકઝરી બસને ગોધરા તાલુકા પોલીસ મથકે લાવી તપાસ કરતાં અંદરથી અંદાજીત ૧૨૦ પેટી ઉપરાંત વિદેશી દારૂનો લાખ્ખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેતા કિશનલાલ લોગરલાલ મેગવાળ અને કાલુલાલ ભૂરાજી મેઘવાલ બંનેની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓને વિદેશી દારૂ ભરેલી લકઝરી બસ રાજસ્થાન ઉદેપુર પાસેથી એક આપવામાં આવી હતી.

જે વડોદરા નજીક પહોંચી મોબાઈલ નંબર ઉપર ફોન કરી સંપર્ક કર્યા બાદ જથ્થો ખાલી કરવાનો હોવાની કબૂલાત કરતાં પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે ગણત્રીના દિવસોમાં જ પંચમહાલ પોલીસે વડોદરા તરફ લઈ જવામાં આવતો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

Related Articles

Back to top button