UNCATEGORIZED

અમદાવાદ : પોલીસ પણ નથી સલામત, તસ્કરોએ એસીપીનો 40 હજારનો ફોન ચોરી લીધો

અમદાવાદ : શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું હોવાના સમાચાર અવાર નવાર સામે આવતા હોય છે. જ્યાં સામાન્ય જનતાની મતાઓ ચોરી થતી હોય છે અથવા લૂંટાતી હોય છે. પણ અમદાવાદ શહેરમાં તો હવે પોલીસ અધિકારીઓ પણ સુરક્ષિત નથી તેવું કહી શકાય છે. કારણકે એક એવી ઘટના બની જેના પરથી પોલીસની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે.

શહેરના હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક એસીપી રવિવારની રજાના દિવસે સાયકલિંગ કરવા રિવરફ્રન્ટ પર ગયા હતા. જ્યાં સાયકલ સ્ટેશન પરથી સાયકલ લીધા બાદ સાયકલિંગ કરી સાયકલ પરત આપવા ગયા ત્યારે તસ્કરોએ તેમના ટ્રેકના ખિસ્સામાંથી 40 હજારનો ફોન ચોરી લીધો હતો. રિવરફ્રન્ટ પર સિક્યોરિટી ગાર્ડ હોવા છતાંય આ ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે.

ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં રહેતા એસીપી આર આર સરવૈયા પૂર્વના ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે. રવિવારના દિવસે તેઓ તેમની કાર લઈને રિવરફ્રન્ટ પર આવ્યા હતા. જ્યાં સરદાર બ્રિજ નીચે માય બાઇક સાયકલિંગ સ્ટેન્ડ પરથી સાયકલ ભાડે લીધી હતી. આ સાયકલ લઈ તેઓએ વલ્લભસદન સુધી સાયક્લિંગ કર્યું અને બાદમાં તેઓ પરત આવ્યા હતા. જ્યાં સાયકલ જમા કરાવી હતી.

ત્યારબાદ તેમના ટ્રેકશૂટમાંથી તેઓ કારની ચાવી કાઢવા ગયા ત્યારે મોબાઈલ ફોન ગાયબ હતો. ઘણી શોધખોળ કરી છતાંય ફોન ન મળતા સાયકલ જમા કરાવતી વખતે કોઈએ ટ્રેકશૂટમાંથી ફોન ચોરી કર્યો હોવાનું જણાતા તેઓએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસનો સંપર્ક સાધતા પોલીસે આ મામલે ચોરીની ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર વહેલી સવારે પોલીસ કર્મીઓ, અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહ પણ સાયક્લિંગ કરવા આવતા હોય છે. આવી ઘટનાઓ બનતા આ તમામ લોકોએ અને અહીં આવતા સહેલાણીઓએ હવે ચેતવાની જરૂર છે. તો બીજી તરફ એસીપીનો ફોન ચોરી કરનાર શખ્સ પકડાય છે કે પોલીસ પકડથી દૂર ભાગે છે તે જોવાનું રહેશે.

Related Articles

Back to top button