ગુજરાતમાં ધમધમ્યો ડ્રગ્સનો વેપાર? નવલખી પોર્ટ પાસેથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ: ગુજરાત જાણે ડ્રગ્સના ધંધાનું હબ બની રહ્યું હોય તેમ છેલ્લા થોડા સમયમાં અનેક કિલો ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે હવે રવિવારે મોડી રાતે પણ નવલખી પોર્ટ પાસેના ઝીંઝુડા ગામમાંથી 120 કિલોના જથ્થાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે. ગુજરાત એટીએસ અને મોરબી એસઓજીએ આ મસમોટા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સના જથ્થાની આશરે બજાર કિંમત 600 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બાતમીની ખરાઇ કરીને દરોડા પાડ્યા
પોલીસને બાતમી મળી હતી કે, મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ અંગેની તપાસ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે ઘરોમાંથી આ ડ્રગ્સ ઝડપાયાની માહિતી મળી રહી છે. મોડી રાતે આ ગામમાં અધિકારીઓની ગાડીઓના કાફલા ખડકી દેવામાં આવ્યાની સ્થિતિ સર્જાઇ હતી.