गुजरात

અમદાવાદના વિદ્યાર્થીઓએ કર્યું ગજબનું ઇનોવેશન, તળાવ ખોદવા બનાવ્યો બેટરીથી ચાલતો રોબોટ

અમદાવાદ: સામાન્ય રીતે વરસાદી પાણીના સ્ટોરેજ માટે તળાવો ખોદવા માટે જેસીબી મશીનનો ઉપયોગ થતો હતો. પરંતુ ગવર્મેન્ટ પોલીટેક્નિકના વિદ્યાર્થીઓએ એક એવો રોબોટ બનાવ્યો છે જે મોબાઈલથી ઓપરેટ થાય છે. રોબોટમાં લાગેલા કેમેરા તળાવ માટે કેટલું ખોદકામ થયું તેની જાણકારી આપે છે. આ રોબોટ ગ્રીન એનર્જીથી ઓપરેટ થાય છે એટલે તેમાં કોઈ ડિઝલનો ઉપયોગ થતો નથી પરંતુ બેટરીથી ઓપરેટ થાય છે. સરકાર દ્વારા આ ઇનોવેશનને લઈ વિદ્યાર્થીઓને 5 લાખનું ઇનામ એનાયત કરાયું છે.

પાંચ વિદ્યાર્થીઓએ મળીને કર્યું ઇનોવેશન

અમદાવાદ સાયન્સ સિટીમાં હાલમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોબોટિક ગેલરીની મુલાકાત લીધી હતી. આ રોબોટિક ગેલેરીમાં વિવિધ પ્રકારના રોબો મુકવામાં આવ્યા છે. જેમાં એક ‘રોબો એસ્કેવેટર’ પણ છે. ગવર્મેન્ટ પોલીટેક્નિકના અને ‘રોબો એસ્કેવેટર’ બનાવનાર તન પટેલ, પાર્થ પટેલ, જૈમીન કોલડિયા, મિહિર મિસ્ત્રી, અભિનવ રાજપુતને 1 – 1 લાખ રૂપિયા એમ કુલ મળી 5 લાખ ઈનામરૂપે ગુજકોસ્ટ તરફથી આપવામાં આવ્યા છે.

આ રોબો સેટ કરેલી નિશ્ચિત જગ્યામાં ખોદકામ કરે છે

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વર્ષ 2019 માં રોબોફેસ્ટ 1.0 સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા રોબોટ્સ બનાવવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં આંબાવાડી પોલીટેકનીકમાં ICના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓએ રોબો એસ્કેવેટર તૈયાર કરીને મોકલ્યું હતું. વિદ્યાર્થીઓએ બનાવેલું ‘રોબો એસ્કેવેટર’ ને જોયા બાદ તેને સાયન્સ સીટી ખાતે આવેલી રોબોટિક ગેલેરીમાં સ્થાન આપવાનું નક્કી કરાયું છે.

Related Articles

Back to top button