પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન | Drug dealers of Bhavnagar Botad announce bandh tomorrow over pending issue

![]()
ઓનલાઇન દવાનું વેચાણ સહિતના પ્રશ્નો યથાવત
વારંવાર રજુઆતો છતાં ગંભીર પ્રશ્નો પર કોઈ ઠોસ કાર્યવાહી ન થતા દવાના વેપારીઓમાં ભારે રોષ
ભાવનગર – દેશભરના દવાના વેપારીઓના અસ્તિત્વ અને જન આરોગ્યની સુરક્ષા માટે આગામી તા.૨૦ મે ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયુ છે. ઓનલાઈન ફાર્મસીની અનિયંત્રીત કામગીરી અને શોષણકારી ભાવની નીતિ સામે રસ્તા પર ભાવનગર અને બોટાદ જિલ્લાના કેમીસ્ટસ રસ્તા પર ઉતરશે. ગેરકાયદેસર ઈ-ફાર્મસી અને ડીપ ડિસ્કાઉન્ટના કારણે ૫ કરોડ આશ્રિતોની રોજીરોટી પર સંકટ છવાઈ જવા પામેલ છે.
૧૨.૪૦ લાખથી વધુ કેમિસ્ટસ અને દવા વિતરકોના સંગઠન ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ દ્વારા સરકારની અવગણના સામે આગામી તા.૨૦ મે ને બુધવારે એક દિવસીય રાષ્ટ્રવ્યાપી બંધના એલાનની જાહેરાત કરાઈ છે. પ્રધાનમંત્રીને પાઠવેલ આવેદનમાં સંગઠને સ્પષ્ટ કર્યુ છે કે, વારંવાર રજુઆતો કરવા છતાં દવા વેપાર સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો પર કોઈ ઠોસ કાર્યવાહી ન થતા દવાના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. સંગઠનના આક્ષેપ મુજબ ગેરકાયદે ઈ-ફાર્મસી પ્લેટફોર્મસના નિયમોમાં રહેલી ઢીલાશનો લાભ ઉઠાવી રહ્યા છે.ભૌતિક ચકાસણી વગર દવાઓના વેચાણને કારણે એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે. તેમજ મોટા કોર્પોરેટ સંસ્થાઓ ડીપ ડિસ્કાઉન્ટ દ્વારા બજારનું સંતુલન બગાડી રહ્યા છે. તેમજ કોવિડકાળની તાત્કાલિક સુચનાને તત્કાલ અસરથી રદ કરવામાં આવે, ઈ-ફાર્મસી સંબંધિત સુચનાને પાછી ખેંચવામાં આવે, કોર્પોરેટસ દ્વારા અપાતી ગેરવાજબી છુટ સામે સમાન તકની નીતિ અમલમાં મુકવા સહિતની માંગણીઓ પર કોઈ ઠોસ નિર્ણય નહિ લેવાય તો તેના વિરોધમાં સંગઠન દ્વારા અનિશ્ચિતકાલીન આંદોલનની ચિમકી અપાઈ છે.



