राष्ट्रीय

વડાપ્રધાન પેટ્રોલ બચાવવાની વાત કરે છે ત્યારે BCCI IPL મેચો કેમ બંધ નથી કરતી | Why doesn’t BCCI stop IPL matches when the Prime Minister talks about saving petrol



– દસ ટીમના ખેલાડીઓ એક શહેરથી બીજા શહેર ચાર્ટર વિમાનોમાં ફરે છે 

– ‘ઇંધણ બચાવવા IPLની મેચો પ્રેક્ષકો વગર બંધ બારણે અને એક જ સ્થળે યોજવી જોઈએ’ : ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી

નવી દિલ્હી : એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ બચાવવાની અપીલ  કરી છે ને પ્રવાસો ઓછા કરીને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે, બીજી તરફ આઈપીએલની મેચો અલગ અલગ શહેરોમાં રમાઈ રહી છે. વળી, મેચ જોવા માટે લાખો પ્રેક્ષકો મેદાનમાં જઈ રહ્યા છે. માત્ર શોખ ખાતર અને મનોરંજન માટે થતાં આ પ્રવાસથી પણ પેટ્રોલ-ડીઝલનો ધુમાડો થાય છે. 

ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ વગેરેના રજવાડી વિમાની પ્રવાસોને ગણીએ તો લાખો-કરોડો લિટર ફ્યુઅલ બળી જાય છે. આવી સ્થિતિમાં યુવાનોમાં એવી માગણી ઉઠી છે કે વડાપ્રધાને અપીલ કરી છે ત્યારે બીસીસીઆઈ આઈપીએલને રદ્ કેમ નથી કરતી? મોદીની અપીલ પછી યુવાનોની ચેતના જાગી હોવાથી આ ચર્ચાએ જોર પકડયું છે ને આઈપીએલની ટીઆરપીમાં પણ ગગડી છે. બીજી તરફ એક પત્ર મોકલીને રજૂઆત પણ કરવામાં આવી છે. આઇપીએલ હવે આખરી તબક્કામાં છે, ત્યારે મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલા ભૌગોલિક-રાજકીય તનાવને પરિસ્થિતિ વિકટ મળી છે. વડાપ્રધાને દેશવાસીઓને કરકસરના ભાગરૂપે ઈંધણનો વપરાશ ઓછો થાય તે માટે ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવાની અપીલ કરી છે, ત્યારે આઇપીએલની હવે પછીના મુકાબલા બંધ બારણે એટલે કે પ્રેક્ષકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાડવા અથવા તો તેના શેડયૂલમાં મોટો ફેરફાર કરવાની માંગ ઉઠી છે. 

સરકારને પત્ર 

ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન બ્રિજેશ ગોયલે આ બાબતે રમતગમત મંત્રી  મનસુખ માંડવિયાને એક સત્તાવાર પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાષ્ટ્રીય સ્તરે ઇંધણની બચત કરવા માટે આઈ.પી.એલ. ના શિડયુલ પર પુન:વિચાર કરવાની વિનંતી કરી છે.

હવાઈ મુસાફરી

આઈ. પી. એલ. ફ્રેન્ચાઇઝીઓ મેચો માટે દેશના એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે બોઇંગ ૭૩૭ અને એરબસ એ૩૨૦જેવા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરે છે, જે પ્રતિ કલાક હજારો લીટર એવિએશન ફ્યુઅલ  વાપરે છે.

લાખો લીટર ઇંધણની બચત

બ્રિજેશ ગોયલે જણાવ્યું કે, ‘જો હવાઈ મુસાફરી ઘટાડવામાં આવે અને  મેચો પ્રેક્ષકો વિના રમાડવામાં આવે અને જૂજ કેન્દ્રો પર  જ બધી મેચો સીમિત કરી દેવાય, તો દેશમાં લાખો લીટર પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલ બચાવી શકાશે, જેનાથી દેશ પરનો આર્થિક બોજ ઘટશે.’

એક મેચ જોવા સરેરાશ ૬૦ હજાર પ્રેક્ષકો મેચ જોવા આવે અને સ્ટેડિયમ જવા – આવવા સરેરાશ ત્રણ લીટર પેટ્રોલ કે ડીઝલ વપરાય તો પણ એક મેચમાં ૧.૮૦ લાખ લીટર બળતણ વપરાય. અમદાવાદમાં તો ૧.૩૨ લાખ પ્રેક્ષકો મેચ જોવા આવે તો આ આંક ચાર લાખ લીટર નજીક પહોંચે આથી આવી ચિંતા વેપારી મંડળો કરી રહ્યા છે.

કોરોનાની યાદ  

તેમણે યાદ અપાવ્યું કે કોરોના મહામારી દરમિયાન પણ ભારતીય ક્રિકેટ બોર્ડે એ બાયો-બબલ બનાવીને મર્યાદિત વેન્યુ પર પ્રેક્ષકો વિના સફળતાપૂર્વક ટુર્નામેન્ટનું આયોજન કર્યું જ હતું.

ચર્ચાનો વિષય 

૨૮ માર્ચથી શરૂ થયેલી આઈ. પી. એલ. માં તમામ ૧૦ ટીમો સતત પ્રવાસ ખેડી રહી છે. પશ્ચિમ એશિયાના યુદ્ધ અને તનાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ  અને સપ્લાય ચેઈનને મોટી અસર થઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરતું હોવાથી, દેશમાં ઊર્જા સંરક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવા સમયે મનોરંજન અને રમતગમતના આટલા મોટા આયોજનમાં થતો ઇંધણનો વપરાશ ચર્ચાનો વિષય બન્યો છે.

સરકારનો ઇંતેજાર 

હાલ પૂરતું ભારતીય ક્રિકેટ બોર્ડે કોઈ સત્તાવાર ફેરફાર કર્યો નથી અને પ્લેઓફની મેચો પૂર્વનિર્ધારિત શેડયૂલ મુજબ જ રમાશે તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ જો આગામી દિવસોમાં સરકાર તરફથી કોઈ કડક પગલાં લેવામાં આવે, તો ચાહકો  સ્ટેડિયમમાં જઈને મેચ જોવાથી વંચિત રહેવું પડી શકે છે અથવા તો ટીમોની મુસાફરી ઘટાડવા માટે તમામ પ્લેઓફ મેચો કોઈ એક જ શહેરમાં (જેમ કે અમદાવાદ કે મુંબઈ) શિફ્ટ કરવામાં આવી શકે છે.

હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં રમતગમત મંત્રાલય અને ભારતીય ક્રિકેટ બોર્ડ આ ગંભીર મુદ્દે શું આખરી નિર્ણય લે છે.



Source link

Related Articles

Back to top button