ભારત પાસે પણ છે હોર્મુઝ સ્ટ્રેટ જેવો ‘ચોક પોઈન્ટ’! દુનિયાનો 25 ટકા વેપાર ઠપ કરવાની તાકાત | india andaman nicobar choke point malacca dilemma china energy security gujarati

![]()
Malacca Strait : દુનિયાના નકશા પર ઈરાનનું હોર્મુઝ જે રીતે તેલ સપ્લાય માટે જાણીતું છે, બરાબર તેવો જ એક વ્યૂહાત્મક પોઈન્ટ ભારત પાસે પણ છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ પાસે આવેલો આ વિસ્તાર ‘મલક્કાની સામુદ્રધુની’નું મુખ્ય દ્વાર છે. જ્યાંથી દુનિયાનો સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર પસાર થાય છે. ભારત અહીં પોતાની સૈન્ય અને વેપારી તાકાત જે રીતે વધારી રહ્યું છે, તેણે ચીનની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે.
શું છે આ ‘ચોક પોઈન્ટ’ અને ભારતનું વર્ચસ્વ?
યુદ્ધ નીતિમાં ‘ચોક પોઈન્ટ’ એટલે એવો સાંકડો રસ્તો જ્યાંથી જહાજોનું પસાર થવું અનિવાર્ય હોય. ભારત પાસે અંદામાન-નિકોબારના રૂપમાં એક એવી કુદરતી દીવાલ છે, જે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડતા મલક્કા રૂટના પ્રવેશદ્વાર પર ઉભી છે. દુનિયાનો 25% દરિયાઈ વેપાર અહીંથી થાય છે. ચીનનો 80% ઉર્જા પુરવઠો આ જ રસ્તે પસાર થાય છે. આ ભૌગોલિક સ્થિતિ ભારતને હિંદ મહાસાગરનું અસલી રક્ષક બનાવે છે.
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ચીન માટે મિની હોર્મુઝ જેવો પડકાર
ભારત સરકાર અંદામાન-નિકોબારમાં ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ અને ગલેથિયા બે પોર્ટ દ્વારા પોતાની હાજરી મજબૂત કરી રહી છે. આ માત્ર બંદર નથી, પણ એક રણનીતિક કિલ્લો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ભારત ચીનની નૌસેના પર બારિક નજર રાખી શકશે અને જરૂર પડ્યે ચીનના તેલ ટેન્કરોનો રસ્તો પણ રોકી શકશે. ચીની નેતૃત્વ આને પોતાની સૌથી મોટી નબળાઈ એટલે કે ‘મલક્કા ડિલેમા’ માને છે.
આ પણ વાંચો : હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો
હોર્મુઝ અને મલક્કા વચ્ચેનું જોડાણ
જ્યાં મલક્કા ભારતનો વ્યૂહાત્મક પોઈન્ટ છે, ત્યાં ભારત પોતે તેલ માટે હોર્મુઝ (પર્શિયન ગલ્ફ) પર નિર્ભર છે. ભારત પોતાનું 46-50% ક્રૂડ ઓઇલ હોર્મુઝના રસ્તે આયાત કરે છે. હાલમાં જ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝમાં જેવી સ્થિતિ સર્જાઈ છે, તેવી જ સ્થિતિ ભારત અંદામાન પાસે સર્જીને ચીનને ઘૂંટણિયે લાવી શકે છે.
જો આ રસ્તો બંધ થાય તો શું થાય?
જો અંદામાન પાસેનો આ દરિયાઈ માર્ગ બંધ થાય, તો વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ પેદા થઇ શકે છે. મોંઘવારીનો વિસ્ફોટ થાય અને ક્રૂડની કિંમતો રાતોરાત આસમાને પહોંચી શકે છે. સપ્લાય ચેન ખોરવાશે તો ચીન, જાપાન, અમેરિકા અને યુરોપ સુધી માલ પહોંચાડવાનો ખર્ચ અને સમય અનેકગણો વધી જશે. વીમા પ્રીમિયમમાં ઉછાળો આવશે અને દરિયાઈ તણાવ વધતા જહાજોનું ઇન્શ્યોરન્સ મોંઘું થશે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
ભારતની રણનીતિ દાદાગીરી નહીં, સુરક્ષા
ભારતની રણનીતિ આ રસ્તો બંધ કરવાની નથી, પરંતુ તેને સુરક્ષિત રાખવાની અને હિંદ મહાસાગરમાં કોઈ પણ બાહ્ય શક્તિ (જેમ કે ચીન) પોતાની એકતરફી દાદાગીરી ન કરી શકે તે સુનિશ્ચિત કરવાની છે. આ ભારતનો એક એવો માસ્ટરસ્ટ્રોક છે જે વૈશ્વિક સમીકરણોમાં ભારતનું પલ્લું ભારે રાખે છે.



