दुनिया

ઈરાનનું યુદ્ધ ‘ઓટોપાયલટ’ પર! જાણો કોણ છે જનરલ જાફરી, જેમની વ્યૂહનીતિ સામે ઈઝરાયલ-US હાંફી ગયા | Who is Mohammad Ali Jafari The Mastermind Behind Iran’s Mosaic Defense Defying USA and Israel



Iran-US War Update : 28 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ શરૂ કર્યું. આ એક વ્યાપક હવાઈ હુમલો હતો જેનો હેતુ ઈરાનના ટોચના લશ્કરી અને રાજકીય નેતૃત્વનો નાશ કરવાનો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ, IRGC કમાન્ડર મેજર જનરલ મોહમ્મદ પાકપુર, સંરક્ષણ પ્રધાન બ્રિગેડિયર જનરલ અઝીઝ નાસિરઝાદેહ સહિત અંદાજે 40 જેટલા વરિષ્ઠ નેતાઓ માર્યા ગયા હતા.

અમેરિકાને આશા હતી કે 2003માં ઇરાકમાં બનેલું એમ ટોચના નેતૃત્વના પતન બાદ ઈરાની સેના અને શાસન વિખેરાઈ જશે. પરંતુ આવું થયું નહીં. હુમલાના થોડા કલાકોમાં જ ઈરાને સમગ્ર પ્રાદેશિક દેશોમાં અમેરિકી અને ઇઝરાયલી લશ્કરી થાણાઓ, તેલ સુવિધાઓ અને એરપોર્ટ પર મિસાઇલો અને ડ્રોનથી વળતો હુમલો કર્યો. આ અણધાર્યા પ્રતિકારે દુનિયાને ચોંકાવી દીધી. આ સફળ પ્રતિકાર પાછળ એક વ્યક્તિનું નામ હતું- મેજર જનરલ મોહમ્મદ અલી જાફરી, જેમણે ‘મોઝેક ડિફેન્સ’નો સિદ્ધાંત અમલમાં મૂકીને અમેરિકા-ઈઝરાયેલના દાંત ખાટા કરી નાંખ્યા છે.

કોણ છે મેજર જનરલ મોહમ્મદ અલી જાફરી?

મોહમ્મદ અલી જાફરીનો જન્મ 1 સપ્ટેમ્બર, 1957ના રોજ ઈરાનના યઝ્દ શહેરમાં થયો હતો. 1977માં તેહરાન યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગ ભણતી વખતે તેઓ શાહ એટલે કે રાજા મોહમ્મદ રેઝા પહલવી સામેના વિરોધી પ્રદર્શનોમાં ભાગ લેતા હતા અને તેમની ધરપકડ પણ થઈ હતી. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી તેઓ ઈરાન-ઇરાક યુદ્ધ (1980-1988)માં લડવા માટે સ્વયંસેવક તરીકે ગયા અને 1981માં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)માં જોડાયા.

યુદ્ધ દરમિયાન તેમણે પશ્ચિમી અને દક્ષિણી મોરચા પર કમાન્ડ સંભાળી અને ઝડપથી પદોની સીડી ચડ્યા. યુદ્ધ પછી 1992માં તેમને IRGC ગ્રાઉન્ડ ફોર્સિસના કમાન્ડર બનાવાયા અને તેહરાનની સુરક્ષા માટે બનાવાયેલી ખાસ યુનિટ ‘સરલ્લાહ’ના પણ વડા બનાવાયા.

આ પણ વાંચો : ઈરાનના નવા હથિયારે અમેરિકા-ઈઝરાયલની ઊંઘ ઊડાવી, રડાર વગર જ ડ્રોનને કરે છે ધ્વસ્ત

માત્ર સૈનિક નહીં, વ્યૂહરચનાકાર

જાફરી માત્ર સૈનિક ન હતા, તેઓ એક વિચારક અને વ્યૂહરચનાકાર હતા. 2005માં તેમને IRGCના ‘સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ’ના ડિરેક્ટર બનાવાયા, જ્યાં તેમણે ઈરાન માટે નવી સંરક્ષણ વ્યૂહરચના ઘડવાનું કામ શરૂ કર્યું. 2007માં સર્વોચ્ચ નેતા ખામેનેઈએ તેમને IRGCના કમાન્ડર-ઇન-ચીફ નિયુક્ત કર્યા, જ્યાં તેઓ 2019 સુધી રહ્યા. 2019 પછી તેઓ IRGCના ‘સોફ્ટ વોર’ (સાંસ્કૃતિક) હેડક્વાર્ટરના વડા બન્યા.

જાફરીએ કયા પાઠ પરથી ‘મોઝેક ડિફેન્સ’નું નિર્માણ કર્યું?

જાફરીએ બે મોટા યુદ્ધોનો ઊંડો અભ્યાસ કર્યો હતો: 1980–1988નું ઈરાન-ઇરાક યુદ્ધ અને 2003નું ઇરાક યુદ્ધ.

1.   ઈરાન-ઇરાક યુદ્ધનો અનુભવ: આઠ વર્ષ ચાલેલું આ યુદ્ધ મોટાભાગે ઘર્ષણ (war of attrition)નું યુદ્ધ હતું. ઇરાકે રાસાયણિક શસ્ત્રો અને મિસાઇલ હુમલાઓ કર્યા, પરંતુ ઈરાને વૈચારિક રીતે પ્રતિબદ્ધ ‘બાસીજ’ લશ્કરો મોકલીને ઇરાકી સેનાને મડાગાંઠમાં ધકેલી દીધી હતી. આનાથી શીખ મળી કે મોટી જાનહાનિ સહન કરીને પણ શત્રુ સામે લાંબો સમય લડી શકાય છે.

2.   2003ના ઇરાક યુદ્ધનું અવલોકન: 2003માં અમેરિકાએ અત્યંત ઝડપથી સદ્દામ હુસૈનનું શાસન ઉથલાવી પાડ્યું હતું અને તેની કેન્દ્રીય સેનાને તોડી પાડી હતી. જાફરીએ નોંધ્યું કે સદ્દામની સેના અત્યંત કેન્દ્રિત (centralized) હતી. બધી સત્તા સદ્દામ પાસે હતી. જ્યારે ટોચનું નેતૃત્વ ખતમ થયું, ત્યારે નાના અધિકારીઓ પાસે પોતાની મરજીથી નિર્ણય લેવાની સત્તા ન હતી અને આખું લશ્કરી માળખું લકવાગ્રસ્ત થઈ ગયું. તેથી જાફરીએ નક્કી કર્યું કે ઈરાન સાથે આવું ન થવું જોઈએ.

જાફરીનો ‘મોઝેક ડિફેન્સ’ સિદ્ધાંત શું છે?

‘મોઝેક ડિફેન્સ’નો સિદ્ધાંત સમજવો હોય તો તેને પઝલ અથવા મોઝેક ચિત્ર સાથે સરખાવી શકાય. જેમ પઝલના નાના-નાના ટુકડા અલગ-અલગ હોવા છતાં એક સાથે મળીને એક મોટું ચિત્ર બનાવે છે, અને જો એક ટુકડો ખોવાઈ જાય તો પણ બાકીના ટુકડા અસ્તિત્વમાં રહે છે, એમ જ ઈરાનનું સંરક્ષણ માળખું રચવામાં આવ્યું છે.

દરેક પ્રાંતનો સ્વતંત્ર કમાન્ડ

2005માં જાફરીએ આ સિદ્ધાંતનો પાયો નાખ્યો. તેનો મુખ્ય વિચાર હતો: વિકેન્દ્રીકરણ (Decentralization). તેમણે IRGCને 31 અર્ધ-સ્વાયત્ત (semi-autonomous) પ્રાંતીય કમાન્ડમાં વિભાજિત કરી દીધું.

હવે દરેક પ્રાંતીય કમાન્ડ પોતાની રીતે સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમની પાસે પોતાનું સ્વતંત્ર મુખ્યાલય, મિસાઇલ અને ડ્રોનનો ભંડાર, ગુપ્તચર એકમો, બાસીજ લશ્કરો(સ્વયંસેવક અર્ધસૈન્ય દળ), અને ઝડપી હુમલો કરી શકે તેવી નૌકા ટુકડીઓ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દરેક સ્થાનિક કમાન્ડર પાસે પૂર્વ-નિર્ધારિત યોજનાઓ અને લક્ષ્યાંકોને અમલમાં મૂકવા માટે સંપૂર્ણ સત્તા છે. જો તેહરાનથી સંપર્ક તૂટી જાય તો પણ તેઓ સ્વતંત્ર રીતે કાર્યવાહી ચાલુ રાખી શકે છે. આ રીતે એક શિરચ્છેદ હુમલામાં માત્ર એક કે બે ટુકડા તૂટે છે, પરંતુ આખું મોઝેક નષ્ટ થતું નથી. શિરચ્છેદ હુમલો (Decapitation strike) એટલે એવો સૈન્ય હુમલો જેમાં શત્રુ દેશની ટોચની નેતાગીરી (પ્રમુખ, સૈન્ય વડા) અથવા કમાન્ડ સિસ્ટમ(કમાન્ડ સેન્ટર, સંચાર નેટવર્ક)ને સીધું નિશાન બનાવવામાં આવે, જેથી આખી સૈન્ય વ્યવસ્થા અચાનક અશક્ત બની જાય. 

કાર્યવાહીમાં મોઝેક સિદ્ધાંત: ‘ઓટોપાયલટ’ પર ઈરાન

28 ફેબ્રુઆરીના હુમલા પછી ઈરાને જે ઝડપથી અને સંકલિત રીતે જવાબી કાર્યવાહી કરી તે જાફરીના સિદ્ધાંતની સફળતા સાબિત કરે છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ 1 માર્ચે સોશિયલ મીડિયા પર કહ્યું, “અમારી પાસે અમારા પૂર્વ અને પશ્ચિમમાં અમેરિકી સેનાની હારનો અભ્યાસ કરવા માટે બે દાયકાનો સમય હતો. અમે તે પાઠને આત્મસાત કર્યા છે. અમારી રાજધાનીમાં થતા બોમ્બ ધડાકાથી યુદ્ધ ચલાવવાની અમારી ક્ષમતા પર કોઈ અસર નથી થતી. વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણ અમને ‘યુદ્ધ ક્યારે અને કેવી રીતે સમાપ્ત થશે’ તે નક્કી કરવા સક્ષમ બનાવે છે.”

ઓસ્ટ્રેલિયાના લેખક શનાકા એન્સેલ્મ પેરેરાએ આ સ્થિતિને સુંદર રીતે વર્ણવતા લખ્યું છે કે, “ઈરાન આત્મઘાતી મિશન પર નથી, તે ઓટોપાયલટ પર છે. મોઝેક સિદ્ધાંત જીતવા માટે નહીં, પરંતુ હારને અશક્ય બનાવવા માટે રચાયો હતો.”

હારને અશક્ય બનાવનારો સિદ્ધાંત

મોહમ્મદ અલી જાફરીએ એક એવી સંરક્ષણ વ્યવસ્થા ઊભી કરી જે તેના નેતાઓના મૃત્યુ પછી પણ લડી શકે. મોઝેક ડિફેન્સનો સિદ્ધાંત અમલમાં મૂકીને ઈરાન પરંપરાગત અર્થમાં યુદ્ધ જીતી શકે નહીં, પરંતુ એને લીધે તેને આસાનીથી હરાવી પણ નહીં શકાય. આ વ્યૂહરચના અમેરિકા અને ઈઝરાયેલને ધારણા મુજબનો ઝડપી વિજય આપવાને બદલે બંને દેશને લાંબા, ખર્ચાળ અને ઘર્ષણયુક્ત યુદ્ધમાં ધકેલી રહી છે.

આ પણ વાંચો : ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો



Source link

Related Articles

Back to top button