47 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડવા ટ્રમ્પ તૈયાર: તાઈવાનના પ્રમુખે કહ્યું- હું વાત કરવા તૈયાર, ચીન લાલચોળ | us taiwan presidents donald trump william lai historic talks

![]()
Trump Taiwan President talk 2026: વર્ષ 1979 પછી પહેલીવાર અમેરિકા અને તાઈવાનના ટોચના નેતાઓ વચ્ચે સીધી વાતચીત થાય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે, તેઓ તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ લાઈ ચિંગ-તે સાથે વાતચીત કરશે. બીજી તરફ, તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગ-તે પણ ટ્રમ્પ સાથે ચર્ચા કરવા માટે ઉત્સાહીત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. જો આ વાતચીત થશે, તો તે ચાર દાયકાથી વધુ જૂના રાજદ્વારી પ્રોટોકોલને તોડશે અને ચીનને ભારે ઉશ્કેરી શકે છે.
ચીનની મુલાકાત બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
તાજેતરમાં જ બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કર્યા બાદ, ટ્રમ્પે બીજી વખત તાઈવાનના નેતા સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું, “હું તેમની સાથે વાત કરીશ. હું દરેક સાથે વાત કરું છું.” તેમણે ઉમેર્યું કે તેઓ ચીન સાથે તાઈવાનની સમસ્યા અંગે પણ કામ કરશે. વ્હાઇટ હાઉસ હાલમાં તાઈવાનને આશરે $14 બિલિયનના (રૂપિયા 1.15 લાખ કરોડથી વધુ) મોટા હથિયારોના પેકેજ વેચવાની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો છે કે, તાઈવાનને થનારું આ શસ્ત્રોનું વેચાણ ચીન સાથે સોદાબાજીના પત્તા (Bargaining Chip) તરીકે વાપરી શકાય છે.
ચીન શાંતિનો ભંગ કરનાર દેશ
તાઈવાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ લાઈ આ બાબતો અંગે ટ્રમ્પ સાથે ચર્ચા કરવા માટે ઉત્સુક છે. લાઈ ચિંગ-તે જણાવ્યું હતું કે, “તાઈવાન સ્ટ્રેટમાં સ્થિર સ્થિતિ જાળવી રાખવા માટે તાઈવાન કટિબદ્ધ છે અને ચીન જ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનો ભંગ કરનાર દેશ છે.”
ભારત અને વૈશ્વિક રાજનીતિ પર શું અસર થશે?
વર્ષ 1979માં જ્યારે વોશિંગ્ટને તાઈવાનના બદલે બેઇજિંગને (ચીન) રાજદ્વારી માન્યતા આપી, ત્યારથી અમેરિકા અને તાઈવાનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે સીધી સત્તાવાર વાતચીત થઈ નથી. ચીન તાઈવાનને પોતાનો જ એક ભાગ ગણાવે છે અને તેને પોતાના નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગની ધમકી પણ આપી ચૂક્યું છે. આ પહેલા વર્ષ 2016માં પણ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ તાઈવાનના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ સાઈ ઈંગ-વેનનો ફોન દ્વારા આભાર સ્વીકાર્યો હતો, જેનાથી બેઇજિંગ ભારે નારાજ થયું હતું.
પાછલા બારણે વાતચીત ચાલુ
અમેરિકા ભલે તાઈવાન સાથે સત્તાવાર રાજદ્વારી સંબંધો ધરાવતું નથી, પરંતુ ‘તાઈવાન રિલેશન્સ ઍક્ટ 1979’ હેઠળ તે તાઈવાનને આત્મરક્ષણ માટે શસ્ત્રો આપવા કાયદાકીય રીતે બંધાયેલું છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ અને લાઈ વચ્ચેની આ સંભવિત વાતચીત બાદ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં કેવા સમીકરણો રચાય છે.



