‘મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..’ ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્યા | BJP MLA Bhaga Barad Threatens Resignation Exposes Party Infighting in Public

![]()
Gujarat Politics: ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભાજપની આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘જો અહીં બેઠેલાં લોકો મને કહેશે તો, હું અત્યારે જ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દઈશ.’ ટૂંકમાં ધારાસભ્યનો દબાયેલો અસંતોષ જાહેરમાં ફાટી નીકળ્યો હતો. તેમણે નામ લીધા વિના ભાજપના ટોચના નેતૃત્વ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે.
ભાજપ ધારાસભ્ય ભગા બારડે ઉભરો ઠાલવ્યો
ભાજપમાં આંતરિક જૂથબંધી ચરમસિમાએ છે. આંતરકલહ એટલી હદે વકર્યો છેકે, ભાજપના ધારાસભ્યોના કામોમાં પણ ભાજપના જ લોકો અડચણ ઊભી કરી રહ્યાં છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના સન્માન સમારોહમાં ધારાસભ્ય ભગા બારડે સમર્થકોની હાજરીમાં એવો આક્રોશ ઠાલવ્યો કે, ‘સરકારમાં મારા કામ થવા દેવામાં આવતા નથી. જાણીજોઈને બધા જ કામો અટકાવી દેવામાં આવે છે.’
ભગા બારડે વિરોધીઓને આકરા શબ્દોમાં કહ્યુંકે, ‘હું મારી રીતે કામ કરવા ટેવાયેલો છું. એ લોકો એવી રીતે મારાથી કામ નહીં થાય.’ આ નિવેદન સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડને હવે કેસરીયો રંગ માફક આવી રહ્યો નથી. ભગા બારડનો ભાજપથી મોહભંગ થઈ ચૂક્યો હોય તેવું રાજકીય ચિત્ર ઉપસ્યું છે.
ભગા બારડે જાહેર મંચ પરથી એવો પડકાર ફેંક્યો હતો કે, ‘અહીંયા હાજર લોકોમાંથી 50 ટકા લોકો જો મને કહેશે, તો હું અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.’ આ સાથે જ તેમણે આગામી સમયની રાજકીય નબળાઈ સ્વીકારતા હોય તેમ વિવાદાસ્પદ વાત કરી કે, 2027ની વિધાનસભાની ચૂંટણી તો આ પંચાયતની ચૂંટણીમાં જ લડાઈ ગઈ છે. આ નિવેદન દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથબંધી સપાટીએ પહોંચી છે.



