અમેરિકામાં પ્લેન ક્રેશ: ઉડાન ભરતા જ એન્જિન ફેઈલ, પાયલોટ સહિત તમામ 12 લોકોના કરુણ મોત | US Plane Crash: Skydiving Aircraft Crashes in Missouri Killing All 12 Onboard

![]()
USA Plane Crash : અમેરિકાના મિસોરી રાજ્યમાં રવિવારે સવારે એક મોટો વિમાની અકસ્માત સર્જાયો છે. કેન્સાસ સિટીથી આશરે 65 માઈલ દક્ષિણમાં આવેલા બટલર મેમોરિયલ એરપોર્ટ (Butler Memorial Airport) નજીક સ્કાઈડાઈવિંગ કરાવતું એક ખાનગી પ્લેન ક્રેશ થઈને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં પ્લેનમાં સવાર તમામ 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ દુર્ઘટના સ્થાનિક સમયાનુસાર રવિવારે સવારે લગભગ 11:30 વાગ્યે બની હતી.
ઘટનાસ્થળનું દ્રશ્ય અત્યંત ‘ભયાવહ’: હાઈવે પેટ્રોલ
દુર્ઘટના અંગે 911 ઈમરજન્સી લાઈન પર પ્લેન આગની લપેટો વચ્ચે તૂટી પડ્યું હોવાની માહિતી મળતા જ મિસોરી હાઈવે પેટ્રોલ (MSHP), બટલર પોલીસ વિભાગ અને બેટ્સ કાઉન્ટી શેરિફ ઓફિસ સહિતની અનેક બચાવ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મિસોરી હાઈવે પેટ્રોલના સાર્જન્ટ જસ્ટિન ઇવિંગે જણાવ્યું હતું કે, અકસ્માતનું દ્રશ્ય અત્યંત “ભયાવહ” હતું. વિમાન એરપોર્ટની નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં ખાબક્યું હતું. બચાવકર્મીઓએ ઘટનાસ્થળે પહોંચીને સળગતા વિમાનની આગ પર કાબૂ મેળવી લીધો છે. આસપાસના રસ્તાઓ બ્લોક કરીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે, જોકે હજુ સુધી મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી.
એન્જિને પાવર ગુમાવ્યા બાદ પ્લેન સ્ટૉલ (Stall) થયું
બેટ્સ કાઉન્ટી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર અને એરપોર્ટના એક્ટિંગ મેનેજર ડેનિસ જેકબ્સે જણાવ્યું હતું કે, આ ખાનગી પ્લેનનું સંચાલન ‘સ્કાઈડાઈવ કેન્સાસ સિટી’ (Skydive Kansas City) નામની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તેમણે અકસ્માતનું પ્રાથમિક કારણ સમજાવતા કહ્યું કે, વિમાને એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યું અને ડાબી બાજુ વળાંક લીધો તે જ સમયે અચાનક તેની પાવર (એન્જિન ક્ષમતા) ઓછી થઈ ગઈ હોય તેવું લાગ્યું હતું. પાયલોટે પ્લેનને નજીકના હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂરતી સ્પીડ ન હોવાને કારણે પ્લેન હવામાં જ ‘સ્ટૉલ’ (નિયંત્રણ ગુમાવવું) થઈ ગયું અને તેનો આગળનો ભાગ (નોઝ) સીધો જમીન તરફ નમી ગયો. જમીન સાથે અથડાતાની સાથે જ પ્લેનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો અને તે આગની લપેટમાં આવી ગયું હતું. હાલમાં ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સીઓ દ્વારા અકસ્માતના ચોક્કસ ટેકનિકલ કારણો શોધવા માટે તપાસ ચાલી રહી છે.



