રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited in the account of a Rajkot man’s firm

![]()
સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો
પેઢીમાં ખોટ જતાં આર્થિક ભીંસમાં આવી ગાંધીનગરના શખ્સને એકાઉન્ટ ભાડે આપ્યાની આરોપીની કબૂલાત
રાજકોટ: સાયબર ફ્રોડ કરનારા મુખ્યત્વે પકડાતા નથી. આ સ્થિતિમાં પોલીસ જેમના બેંક ખાતા ભાડે લઇ તેમા સાયબર ફ્રોડની રકમ જમા કરાવાય છે તેમના વિરુદ્ધ ગુના દાખલ કરાવી સંતોષ માની રહી છે. રાજકોટમાં સાયબર ક્રાઇમ પોલીસે ગઇકાલે સાયબર ફ્રોડના રૂા.૨૪ લાખ જેમના ખાતામાં જમા થયા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ બીજો ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપીઓના ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૩.૯૮ કરોડ જમા થયાનું બહાર આવ્યું છે.
સાયબર ફ્રોડ બેંક ખાતાઓ વગર શક્ય નથી. આ સ્થિતિમાં ફ્રોડરો બેંક ખાતા ભાડે લઇ તેમાં રકમ જમા કરાવી તત્કાળ રકમ ઉપાડી લે છે. બદલામાં ખાતાધારકને મામૂલી રકમ આપે છે. જ્યારે ફરિયાદ થાય ત્યારે ફ્રોડરો તો પકડાતા નથી. પરંતુ ખાતાધારકો સામે કાર્યવાહી થાય છે. જેમાં પણ ભોગ બનનારાઓને કોઇ લાભ થતો નથી. કારણકે તેમણે ગુમાવેલી રકમ અગાઉથી ફ્રોડરો પાસે પહોંચી ગઇ હોય છે.
ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં કેટરર્સનું કામ કરતા પેરીસ જેન્તી શીશાંગીયા (ઉ.વ.૩૦, રહે. ગોલ્ડન હાઇટ્સ, મવડી પોલીસ હેડક્વાર્ટર પાસે) અને કૃનાલ નગીન ગોંડલીયા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આરોપી પેરીસની પોલીસે પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ભરૂડીમાં કિશાન ઇન્ડસ્ટ્રીઅલ એરીયામાં તેની સેફ્રોન ફુડ્સ પ્રોડક્ટસ નામની પેઢી છે.
૨૦૨૦માં મિત્ર સાગર ગીરીશ તળાવીયા સાથે મળી પેઢી શરૂ કરી હતી. નુક્શાની જતાં સાગરને ૨૦૨૫માં પેઢીમાંથી છુટ્ટો કર્યો હતો. આ પછી તેને પૈસાની જરૂર પડતાં ભાગીદાર સાગરની જાણ બહાર તેની પેઢીનું ખાતું ગાંધીનગર રહેતા કૃનાલને બે-ત્રણ ટકા વળતરની લાલચમાં આપી દીધું હતું. તેને દરેક ટ્રાન્ઝેક્શ પેટે બે-ત્રણ ટકાનું વળતર મળતું હતું.
સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં આરોપી પેરીસની પેઢીના બેંક ખાતામાં દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના રૂા.૩.૯૮ કરોડ જમા થયાનું ખુલ્યું છે. જેના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.



