સસ્તુ સોનું અને 10 કરોડની લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92કરોડ ઠગનાર ગેંગનો સૂત્રધાર પકડાયો | mastermind of gang who cheated 492 lakhs of trader caught

![]()
વડોદરાઃ કર્ણાટકના વેપારીને ૧૦ કરોડની લોન અને સસ્તુ સોનું આપવાના નામે વડોદરા બોલાવી રૃ.૪.૯૨કરોડ પડાવી લેવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર ઇલિયાસ ઉર્ફે રાજવીરને ઝડપી પાડયો છે.
કર્ણાટકના મંજુ આર રવિ નામના વેપારીને સસ્તુ સોનું અપાવવાના નામે વડોદરા બોલાવી રૃ.૪.૬૧ કરોડ પડાવી લેવામાં આવ્યા હતા.ઠગ ટોળકીએ મુજમહુડાના સિગ્નેટ હબ ખાતેની ઓફિસ તેમજ ગેંડા સર્કલ પાસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં રાધે એન્ટરપ્રાઇઝની ઓફિસમાં બોલાવી સોનું ખરીદવા માટે ૧૦ કરોડની લોન અપાવવાના નામે રૃ.૩૧ લાખ પણ પડાવી લીધા હતા.
આ બનાવમાં વેપારીને ૩ કિલો સોનાના ડિલિવરી આપી સુરક્ષિત રીતે મહારાષ્ટ્ર બોર્ડર સુધી પહોંચાડવાના નામે ખેલ પાડવામાં આવ્યો હતો.જેમાં રસ્તામાં ડુપ્લિકેટ પોલીસે વેપારીની કારને આંતરી લઇ કેસની ધમકી આપતાં ઇલિયાસના સાગરીતોએ વેપારીને ભગાડી દીધો હતો.
સમગ્ર બનાવની જે પી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સિગ્નેટ હબ ખાતે ફાયનાન્સની ઓફિસ ધરાવતી નયના મહિડા અને ભાવેશ પરમાર સહિતના સાગરીતોની ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય સૂત્રધાર ઇલિયાસ ઉર્ફે રાજવીર સિરાજખાન અજમેરી (તૈયબા રેસિડેન્સી,યોગી કુટિર પાસે,તાંદલજા હાલરહે.માયકો અકિલા,ફતેહવાડી,જુહાપુરા અમદાવાદ)ને પણ ઝડપી પાડી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
ઇલિયાસ સામે બેંગ્લોર અને વડોદરામાં ઠગાઇ,આર્મ્સ એક્ટ સહિતના આઠ ગુના
પોલીસના જણાવ્યા પ્રમાણે,તાંદલજાના ઇલિયાસ ઉર્ફે રાજવીર સામે વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશન ઉપરાંત બેંગ્લોરમાં અગાઉ આઠ ગુના નોંધાયેલા છે.જેમાં છોટા ઉદેપુરમાં ચોરી,રાવપુરામાં આર્મ્સ એક્ટ, સયાજીગંજ,બેંગ્લોર,માંજલપુર,ક્રાઇમ બ્રાન્ચ જેવા પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને જે પી રોડપોલીસ સ્ટેશનમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનાઓનો સમાવેશ થાય છે.
ઇલિયાસના ભાઇને ત્યાંથી તાંબા,પિત્તળ વાળા ૩ કિલોના સિક્કા મળ્યા હતા
કર્ણાટકના વેપારી સાથે સસ્તુ સોનું આપવાના નામે થયેલી ઠગાઇના કેસમાં વડોદરા પોલીસની જુદીજુદી ટીમો દ્વારા ગેંગની તપાસ કરવામાં આવી હતી.
આ દરમિયાન પીસીબીએ ગેંગના સૂત્રધાર ઇલિયાસની તપાસ દરમિયાન તેના ભાઇ ઇદરિશને ત્યાં સર્ચ કરતાં તાંબા અને પિત્તળના સોનાના વરખ જેવા ત્રણ કિલોના સિક્કા મળી આવ્યા હતા.
આ ઉપરાંત પોલીસને રૃ.દોઢ કરોડની ચિલ્ડ્રન કરન્સી પણ મળી આવી હતી.જેથી આ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.



