ભારત-સ્લોવાકિયા વચ્ચે ડિજિટલ ટેકનોલોજી, ડિફેન્સ સહિત 11 કરારો | India Slovakia sign 11 agreements including digital technology defense

![]()
– મોદી અને સ્લોવાકિયાના પીએમ રોબર્ટ ફિકો વચ્ચે દ્વિપક્ષીય સંવાદ
– ઓટોમોબાઈલ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જીમાં સહયોગ વધશે : સ્લોવાકિયાની વિઝિટ લેનારા મોદી પ્રથમ ભારતીય પીએમ
– 12 વર્ષમાં મોદીએ 100મી વિદેશયાત્રા પૂરી કરી : 78 દેશોનો પ્રવાસ કર્યો
બ્રાટિસ્લાવા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્લોવાકિયા પહોંચ્યા હતા. સ્લોવાકિયાની મુલાકાત કરનારા મોદી પ્રથમ વડાપ્રધાન છે. તેમણે સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો. બંને દેશો વચ્ચે જુદા જુદા ૧૧ કરારો થયા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બંને દેશો મળીને એક નવી દિશામાં કામ કરી રહ્યાં છે અને ઉત્તરોત્તર સહયોગ વધારવા સજ્જ બન્યાં છે. એનર્જી સેક્ટર્સથી લઈને ડિફેન્સ અને ટેકનોલોજી સહિતના મુદ્દે સહયોગ વધશે.પીએમ મોદીની આ મુલાકાતમાં રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય સંવાદ થયો હતો. ભારત-યુરોપિયન સંઘના ફ્રી ટ્રેડના ભાગરૂપે સ્લોવાકિયા સાથે ફ્રી ટ્રેડ લાગુ પાડવા બંને નેતાઓએ વાત કરી હતી. એનર્જી સેક્ટર્સ, ખાસ તો ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેકનોલોજી, એડવાન્સ્ડ મેન્યુ ફેક્ચરિંગ ટેકનોલોજી, ઓટોમોબાઈલ્સ જેવા સેક્ટર્સમાં બને દેશો વચ્ચે વેપાર થશે. પીએમ મોદીએ દ્વિપક્ષીય વાર્તાલાપ પછી કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધશે. સામ-સામી સન્માન અને ભરોસાથી સંરક્ષણ ક્ષેત્રમાં પણ આગળ વધશે. દુનિયામાં ચાલતા યુદ્ધો અને ઘર્ષણોનો શાંતિપૂર્ણ અંત આવે તે માટે બંને દેશો સહમત થયા છે.
દરમિયાન ફ્રાન્સ-સ્લોવાકિયાની મુલાકાત એ નરેન્દ્ર મોદીની ૧૦૦મી વિદેશ યાત્રા છે. ૧૨ વર્ષમાં મોદીએ ૧૦૦ વખત વિદેશયાત્રા કરી છે. ૭૮ દેશોનો પ્રવાસ કર્યો છે. પીએમઓની વેબસાઈટમાં આપેલી માહિતી પ્રમાણે મોદીએ શપથ ગ્રહણ કરીને ૨૦૧૪માં પહેલો વિદેશપ્રવાસ ભૂતાનનો કર્યો હતો. એ પછી બ્રાઝિલમાં બ્રિક્સની બેઠકમાં ભાગ લીધો હતો. પહેલી ટર્મમાં તેમણે ૪૯ વિદેશ પ્રવાસો કર્યા હતા. બીજી ટર્મમાં પહેલો વિદેશ પ્રવાસ માલદિવ્સ અને શ્રીલંકાનો હતો. બીજી ટર્મમાં મોદીએ ૨૭ વિદેશયાત્રાઓ કરી હતી. આ ત્રીજી ટર્મ ચાલી રહી છે. ૨૦૨૪માં ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા બાદ મોદી ઈટલીના પ્રવાસે ગયા હતા. આ ૧૦૦મી વિદેશયાત્રા દરમિયાન મોદી ફ્રાન્સમાં યોજાનારી હજુ જી-૭ની બેઠકમાં હાજરી આપશે.



