दुनिया

નેતન્યાહૂ સાથે ટ્રમ્પનો વારંવાર કેમ થઈ રહ્યો છે વિવાદ?, શું ઈરાન ડીલને કારણે રસ્તા અલગ થશે? | Trump Vs Netanyahu: US Israel Rift Grows Over Iran Deal And Lebanon War Strategy



Trump Netanyahu Disagreement : અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર સંયુક્ત રીતે હુમલો કર્યો હતો, પરંતુ બાદમાં બંને નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે વ્યૂહાત્મક (Strategic) મતભેદો સામે આવ્યા છે. ટ્રમ્પ મર્યાદિત અને ઝડપી સફળતા ઇચ્છે છે, જ્યારે નેતન્યાહૂ લાંબી લડાઈના પક્ષમાં છે.

શું જુદા થઈ રહ્યા છે ટ્રમ્પ અને નેતન્યાહૂના રસ્તા?

યુદ્ધ, ડીલ, કરાર, શાંતિ પ્રક્રિયા અને ડિપ્લોમેસીની આ તમામ બાબતો વચ્ચે એ સ્પષ્ટ દેખાય છે કે, નેતન્યાહૂ અને ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તા થોડા અલગ છે. ઈઝરાયેલ દ્વારા તાજેતરમાં લેબેનૉન અને ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ બંને નેતાઓની પ્રાથમિકતાઓ અલગ હોવાનું દેખાઈ રહ્યું છે. ઈરાન અને તેના સહયોગી સંગઠનો સામેના સૈન્ય અભિયાનને લઈને બંને દેશોના નેતાઓ વચ્ચેના મતભેદો ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે.

ટ્રમ્પે જાહેરમાં ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે, તે લેબેનૉનની રાજધાની બેરૂત પર હુમલો ન કરે, પરંતુ વિતેલા રવિવારે ઈઝરાયેલે હુમલો કર્યો, જેના જવાબમાં ઈરાને એપ્રિલમાં થયેલા સીઝફાયર (યુદ્ધવિરામ) પછી પહેલીવાર ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલો છોડી. આ પછી ઈઝરાયેલે ઈરાન પર પણ વળતો હુમલો કરી દીધો. ખાસ વાત એ છે કે, તે સમયે ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન સાથે કેટલાય અઠવાડિયાથી સંવેદનશીલ વાટાઘાટોમાં વ્યસ્ત હતું.

જો કે અત્યારે યુદ્ધ થંભી ગયેલું દેખાય છે, પરંતુ બંને નેતાઓ વચ્ચે વૈચારિક અંતર હજુ પણ યથાવત્ રહેશે, તેના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પ એવા સમયે યુદ્ધનો અંત લાવવા ઇચ્છે છે, જ્યારે આ વર્ષે અમેરિકામાં ચૂંટણીઓ યોજાવાની છે, અને લાંબો સંઘર્ષ તેમના માટે રાજકીય નુકસાનનું કારણ બની શકે છે. આ સિવાય તેઓ ઇચ્છે છે કે ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ ફરીથી સંપૂર્ણ રીતે ખુલી જાય જેથી નેચરલ ઓઇલ અને ગેસ ડિલિવરીનો પુરવઠો સામાન્ય થઈ શકે અને ઇંધણના ભાવ ઘટે.

બીજી તરફ નેતન્યાહૂ પર સ્થાનિક દબાણ છે કે, તેઓ હિઝબુલ્લાહના હુમલાઓને સંપૂર્ણપણે રોકે અને એ સાબિત કરે કે ઈઝરાયેલ ઈરાન અને તેના સહયોગીઓ સામેના યુદ્ધમાં જીત મેળવી રહ્યું છે. તેમણે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે, અમેરિકા સાથેના સંબંધો મજબૂત રહે, પરંતુ એવું પણ ન લાગે કે તેઓ સંપૂર્ણપણે વોશિંગ્ટનના દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.

અમેરિકામાં પણ ટીકાઓથી ઘેરાયા ટ્રમ્પ

ફેબ્રુઆરીમાં જ્યારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે સંયુક્ત એક્શન શરૂ કર્યું હતું, ત્યારે બંને દેશોના લક્ષ્યો એક જ હતા. નેતન્યાહૂએ કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય ઈરાનની આર્મી સ્ટ્રેન્થને નબળી પાડવાનો, તેના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમને ખતમ કરવાનો અને ત્યાંની સરકારને અસ્થિર કરવાનો છે. ટ્રમ્પે પણ શરૂઆતી હુમલાઓ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડરના મોતનો દાવો કરતાં ઈરાનની જનતાને પોતાના દેશને પાછો મેળવવા અપીલ કરી હતી.

પરંતુ ટૂંક સમયમાં જ એ સ્પષ્ટ થઈ ગયું કે, ટ્રમ્પ ઝડપી અને મર્યાદિત સફળતા ઇચ્છે છે, જ્યારે નેતન્યાહૂ ઈરાન અને તેના સહયોગી સંગઠનોને સંપૂર્ણપણે નબળા પાડવા માટે લાંબુ અભિયાન ચલાવવાના પક્ષમાં છે. જેમ જેમ યુદ્ધ લાંબુ ખેંચાતું ગયું અને ઈરાને ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ બંધ રાખ્યું, તેમ તેમ બંને દેશોમાં મુશ્કેલીઓ વધવા લાગી. અમેરિકામાં પેટ્રોલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધ્યા. ટ્રમ્પના વિરોધીઓએ તેમના પર ચૂંટણી વાયદા તોડવાનો અને અમેરિકાને વધુ એક પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં ધકેલી દેવાનો આરોપ લગાવ્યો.

નેતન્યાહૂ હજુ સુધી નિર્ણાયક જીત મેળવી શક્યા નથી

બીજી તરફ ઈઝરાયેલમાં લોકોમાં નારાજગી વધી કે, નેતન્યાહૂ હજુ સુધી નિર્ણાયક જીત મેળવી શક્યા નથી. ઑક્ટોબર 2023માં હમાસના હુમલા બાદ શરૂ થયેલા સંઘર્ષના બે વર્ષથી વધુ સમય વીતી જવા છતાં હમાસ ગાઝાના કેટલાક ભાગોમાં સક્રિય છે, હિઝબુલ્લાહ રોકેટ હુમલા કરી રહ્યું છે, અને ઈરાનની સરકાર તેમજ તેનો પરમાણુ કાર્યક્રમ પણ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.

બંને નેતાઓ વચ્ચે સૌથી મોટો ટકરાવ લેબેનૉનને લઈને જોવા મળી રહ્યો છે. ઈરાન ઇચ્છે છે કે, કોઈપણ પ્રાદેશિક યુદ્ધવિરામ કરારમાં લેબેનૉનને સામેલ કરવામાં આવે. માનવામાં આવે છે કે, કરારને આગળ વધારવા માટે ટ્રમ્પ આ માંગ સ્વીકારવા તૈયાર છે. બીજી તરફ ઈઝરાયેલ લેબેનૉન અને ઈરાનના મોરચાને અલગ રાખવા ઇચ્છે છે, અને દક્ષિણ લેબેનૉનમાં ત્યાં સુધી સૈન્ય અભિયાન ચાલુ રાખવા ઇચ્છે છે, જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખતરો સંપૂર્ણપણે ખતમ ન થઈ જાય.

ગયા અઠવાડિયે ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે, લેબેનૉન મુદ્દે તેમની નેતન્યાહૂ સાથે તણાવપૂર્ણ વાતચીત થઈ હતી. ઈઝરાયેલની કાર્યવાહીથી ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પ્રભાવિત થઈ રહી છે. ટ્રમ્પે પાછળથી એમ પણ કહ્યું કે, ઈઝરાયેલે સંયમ રાખવો જોઈએ અને તેમણે દાવો કર્યો કે, અંતિમ નિર્ણયો તેઓ પોતે લે છે, નેતન્યાહૂ નહીં.

જો કે બંને દેશોના અધિકારીઓ આ મતભેદોને બહુ મહત્ત્વ નથી આપી રહ્યા. નેતન્યાહૂએ તાજેતરના હુમલાઓ પછી કહ્યું કે, ઈઝરાયેલને આત્મરક્ષાનો પૂરો અધિકાર છે, અને તે જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરશે. તેમણે ટ્રમ્પને પોતાના મિત્ર ગણાવતા કહ્યું કે, બંને વચ્ચેની વાતચીત સન્માનજનક અને સકારાત્મક રહી છે.

…જ્યારે ટ્રમ્પના નિર્ણયથી ઈઝરાયેલ ચોંકી ગયું

જો કે ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર થનારા હુમલાને રદ કરી દીધો. ટ્રમ્પનું કહેવું હતું કે, તેહરાનના નેતાઓએ મિડલ ઈસ્ટમાં લડાઈ રોકવા માટેના કરારના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. અમેરિકાના પબ્લિકેશન ‘એક્સિઓસ’ એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, તાજેતરના દિવસોમાં ઈઝરાયેલી નેતાને અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત વિશે કોઈ માહિતી નહોતી. તેઓ માહિતી મેળવવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રના નજીકના સહયોગીઓનો સંપર્ક કરી રહ્યા હતા.

બંને દેશો વચ્ચે મતભેદના સમાચાર ત્યારે આવ્યા, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલના હિતો અલગ-અલગ થઈ રહ્યા છે. ટ્રમ્પ નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી (Midterm Elections) પહેલા પેટ્રોલના ભાવ ઘટાડવાના દબાણમાં આ વિવાદને ઉકેલવા ઇચ્છે છે. નેતન્યાહૂ યુદ્ધના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવાના દબાણમાં છે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન સાથેની વાતચીતને ઈરાનના નેતૃત્વના સર્વોચ્ચ સ્તર સુધી લઈ જવામાં આવી, અને મંજૂરી આપવામાં આવી, તેથી સાંજે ઈરાન પર થનારો હુમલો રદ કરવામાં આવ્યો છે. આ જ મુદ્દાઓ પર નેતન્યાહૂ અને ટ્રમ્પ આમને-સામને છે, અને સતત એકબીજાનો વિરોધ પણ કરી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button