અમેરિકામાં મોટી દુર્ઘટના: વાયુસેનાનું B-52 બોમ્બર ઉડાન ભરતા જ ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સમાં કરુણ મોત | us air force b 52 bomber crashes california edwards air force base 8 killed

![]()
US B-52 Bomber Crashes in California : અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવાર, 15 જૂનના રોજ અમેરિકન વાયુસેનાનું પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ અને અત્યંત શક્તિશાળી B-52 બોમ્બર વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 8 ક્રૂ મેમ્બર્સના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.
આ ભયાનક અકસ્માત બપોરના સમયે કેલિફોર્નિયામાં આવેલા એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર થયો હતો. લોસ એન્જિલસથી આશરે 95 કિલોમીટર ઉત્તરમાં આવેલો આ એરબેઝ અમેરિકી સેનાનું એક ખૂબ જ મહત્વનું અને મોટું ઓપરેશન સેન્ટર માનવામાં આવે છે.
ઉડાન ભર્યાની મિનિટોમાં જ સર્જાઈ દુર્ઘટના
એડવર્ડ્સ એરફોર્સ બેઝના સત્તાવાર નિવેદન અનુસાર 8 લોકોને લઈને રૂટીન ટેસ્ટ મિશન પર ગયેલું વાયુસેનાનું B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ વિમાન સવારે 11:20 વાગ્યે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ ક્રેશ થઈ ગયું હતું. શરૂઆતના સંકેતો દર્શાવે છે કે આ અકસ્માતમાં કોઈના પણ બચવાની શક્યતા નથી.
એરબેઝ તંત્રએ વધુમાં જણાવ્યું છે કે, ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિમાનમાં સવાર તમામ સ્ટાફની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને આ એરબેઝને હાલ પૂરતું બંધ કરી દેવાયું છે.
આખરે શું છે આ B-52 બોમ્બર પ્લેન?
B-52 એ અમેરિકાનું અત્યંત ભારે અને કદાવર બોમ્બ ફેંકનાર ફાઇટર પ્લેન છે. આ વિમાને પહેલીવાર વર્ષ 1954 માં ઉડાન ભરી હતી. મૂળભૂત રીતે તેને શીત યુદ્ધ દરમિયાન સોવિયત સંઘ (રશિયા) સામેના સંભવિત યુદ્ધને મનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું હતું.
આ વિશાળકાય બોમ્બર વિમાન પોતાનામાં જ એક નાનું આર્મી હેડક્વાર્ટર ગણાય છે, કારણ કે તે ક્લસ્ટર બોમ્બથી લઈને અત્યાધુનિક ક્રૂઝ મિશાઇલો સુધીના અનેક ઘાતક હથિયારો વહન કરી શકે છે. અમેરિકાએ આ ઘાતક વિમાનનો ઉપયોગ વિયેતનામ યુદ્ધ, ખાડી યુદ્ધ, ઇરાક, અફઘાનિસ્તાન અને તાજેતરમાં જ ઈરાન સામેના સૈન્ય અભિયાનોમાં પણ વ્યાપક પ્રમાણમાં કર્યો છે.



