અમદાવાદ: સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | Massive Fire Breaks Out at Company in Sanand GIDC Ahmedabad

![]()
Massive Fire Breaks Out Sanand GIDC : અમદાવાદના સાણંદ GIDCમાં રવિવાર(3 મે) આગની દુર્ઘટના ઘટી હતી. GIDCમાં વન્ડર ગેટ નજીક આવેલી IPD નામની ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં રહેલો પાર્ટ્સનો જથ્થો અને ટ્રોલીઓ જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગઈ હતી.
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ
પ્રાપ્ત વિગતો મુજબ, સાણંદ GIDCમાં કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી. એકાદ કલાકથી વધુ સમય સુધી કંપનીમાં આગ રહી હતી. આગના બનાવને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું મોત
ફાયર બ્રિગેડની કામગીરી
ફાયર વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. કલાકોની જહેમત બાદ આગ પર આંશિક કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.


