વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi Charan Village Crisis: Rising Salinity Flooded Ponds effect on Farmers in vav tharad

![]()
Mithavi Charan Village Crisis: વાવ-થરાદ જિલ્લાના મીઠાવી ચારણ ગામમાં વર્ષોથી તળાવના પાણી અને વધતી ખારાશની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ સમસ્યા આજે પણ યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મીઠાવી ચારણ ગામે વર્ષોથી તળાવના પાણી-વધતી ખારાશની સમસ્યા
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન તળાવમાં પાણી ભરાઈ જતાં ગામનો મુખ્ય રસ્તો બંધ થઈ જાય છે, જેના કારણે આખું ગામ એક મહિના સુધી સંપર્ક વિહોણું બની જાય છે. તાત્કાલિક સેવા, ડિલિવરી તેમજ હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે. થરાદ સુધી જવા માટે પણ કોઈ વિકલ્પ ઉપલબ્ધ રહેતો નથી.
સ્થાનિકોનું કહેવું છે કે, ગામની બાજુમાં આવેલી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી ભરાઈ જતા બાળકોને સ્કૂલ જવામાં અડચણ ઉભી થાય છે. વધતી ખારાશના કારણે ગામની અંદાજે 50 ટકા ખેતીની જમીન બગડી ગઈ છે. ખારા પાણીના પ્રભાવથી જમીન ઝેરી બની રહી છે, ઝાડ-વનસ્પતિ સુકાઈ રહી છે અને પાક નષ્ટ થઈ રહ્યા છે. અનેક ખેડૂતો ખેતી છોડવા મજબૂર બન્યા છે.
અનેક રજૂઆત છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ
ગ્રામજનોનો આક્ષેપ છે કે, તેમણે સરકાર, કલેક્ટર, મુખ્યમંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્યો અને સંસદ સભ્યોને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ચૂંટણી સમયે આપવામાં આવતા વચનો માત્ર વચનો જ રહી ગયા હોવાનું ગ્રામજનો કહે છે.
વર્ષ 2017માં પૂર દરમિયાન પાણીમાંથી પસાર થતી વખતે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાની દુખદ ઘટના પણ સામે આવી હતી. છતાં પણ આજદિન સુધી સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી.
માજી સરપંચે શું કહ્યું?
મીઠાવી ચારણના માજી સરપંચે જણાવ્યું હતું કે, ‘જો તાત્કાલિક ખારા પાણીનો નિકાલ કરીને તેને રણમાં દોરી જવામાં નહીં આવે તો આગામી સમયમાં ગામના ખેડૂતો જમીન વિહોણા બની જશે. હાલ પણ ઘણા ખેડૂતો ખેતી છોડી ચૂક્યા છે અને સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે.’
હાલ ગ્રામજનો સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવા અને ખારા પાણીનો કાયમી નિકાલ કરવાની માગ કરી રહ્યા છે, જેથી ગામની ખેતી અને લોકોનું જીવન બચી શકે.


