मनोरंजन

મેગા અલ નીનો : વિશ્વના 100 ગરમ શહેરોમાંથી 95 ભારતના | Gujarat Samachar News Focus 28 April 2026



– ગ્લોબલ વોર્મિંગ અને બેફામ બાંધકામને પગલે જંગલો ઘટતા ભારતનો ૫૫ ટકા ભાગ હાઈ હીટ રિસ્ક ઝોનમાં આવી ગયો 

– આ વખતે અલ નીનો વિકરાળ સ્વરૂપ ધારણે કરે તેવું દેખાઈ રહ્યું છે. 2026માં જે મેગા અલ નીનો કે સુપર અલ નીનો આકાર લેશે તેની અસર 2027 સુધી જોવા મળે તેમ છે. તેનાથી ગરમી વધે છે, ચોમાસું નબળું પડે છે અને દુનિયાભરમાં વરસાદી સિસ્ટમ ખોરવાય છે. ખાસ કરીને ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને એમેઝોન બેસિનમાં ભયાનક ગરમી અને દુકાળની શક્યતાઓ વધી જાય છે : તાજેતરમાં જ મહારાષ્ટ્રના અકોલાનું તાપમાન 46.9 ડિગ્રી પહોંચી ગયું હતું. તેવી જ રીતે અમરાવતીમાં 46.8 ડિગ્રી અને વર્ધામાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના બાંદામાં પણ 46.6 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યો કાળઝાળ આગમાં શેકાઈ રહ્યા છે : મહારાષ્ટ્ર, તેલંગણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન  અને ઓડિશા જેવા રાજ્યો સૌથી વધારે ગરમીનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને વિદર્ભમાં ગરમી વધી છે. સતત લૂ વરસી રહી છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં આગ ઝરતી ગરમી પડી રહી છે 

દેશભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. એપ્રિલ મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યાં ઉનાળો આકરો થઈ રહ્યો છે. આગ ઝરતી ગરમી અને ચામડી દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. આકાશમાંથી જાણે કે આગ વરસતી હોય તેવી સ્થિતિ છે. તાજેતરમાં વૈશ્વિક હવામાન જાણકારોએ ગ્લોબલ મેપ જારી કર્યો હતો જેમાં ભારત લાલ રંગે રંગાયેલું બતાવાયું હતું. હવામાન ખાતાના અહેવાલ પ્રમાણે હાલમાં દુનિયાભરમાં જે ગરમી પડી રહી છે તેમાં ભારતમાં સૌથી વધારે ગરમી છે. વિશ્વના ટોચના ૧૦૦ ગરમ શહેરોમાંથી ૯૫ શહેરો ભારતના છે. તેમાંય ટોચના ૨૦ શહેરોમાંથી ૧૯ શહેરો ભારતના છે. હાલમાં ગરમી અને શુષ્ક હવામાન મુદ્દે ભારતે આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશોને પણ પાછળ છોડી દેવામાં આવ્યું છે.

જાણકારોના મતે ભારતમાં માત્ર શહેરો જ નહીં નાના શહેરો અને કેટલાક ગ્રામ્ય અને પછાત વિસ્તારો અને જિલ્લાઓ પણ ગરમીની ઝપેટમાં આવી ગયા છે. અહીંયા સરેરાશ ૪૦ ડિગ્રીથી ૪૭ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના અકોલાનું તાપમાન ૪૬.૯ ડિગ્રી પહોંચી ગયું હતું. તેવી જ રીતે અમરાવતીમાં ૪૬.૮ ડિગ્રી અને વર્ધામાં પણ ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના બાંદામાં પણ ૪૬.૬ ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યો કાળઝાળ આગમાં શેકાઈ રહ્યા છે. છેલ્લાં એક અઠવાડિયાથી સરેરાશ તાપમાન ૪૩ ડિગ્રીથી ૪૭ ડિગ્રીની વચ્ચે આવી રહ્યું છે. તે સિવાય જમ્મુ-કાશ્મીર જેવા પર્વતીય રાજ્યોમાં પણ ગરમીએ કેર વર્તાવ્યો છે.  સાંબામાં ૪૨ ડિગ્રી જ્યારે જમ્મુમાં ૪૦ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, તેલંગણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન  અને ઓડિશા જેવા રાજ્યો સૌથી વધારે ગરમીનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને વિદર્ભમાં ગરમી વધી છે. સતત લૂ વરસી રહી છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં આગ ઝરતી ગરમીની વચ્ચે પણ ગાજવીજ સાથે વાતાવરણના પલટાની ચેતવણી આપવામાં આવી છે. આંધ્ર પ્રદેશ, કેરલ અને તમિલનાડુમાં પણ ગરમ અને સુકા હવામાનની સ્થિતિ છે. સરેરાશ જોવા જઈએ તો દેશના અડધાથી વધારે રાજ્યોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. 

જાણકારો માને છે કે વાતાવરણ સતત ગરમ અને શુષ્ક રહે છે અને પવનનું પ્રમાણ સાવ ઓછું થઈ રહ્યું છે. તે ઉપરાંત વાદળો પણ આકાશમાં હોતા નથી તેના કારણે દિવસભર ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રી મોનસૂન ક્લાઈમેટમાં પણ આ વખતે મોડું થવાના એંધાણ છે અને તેની અસરના ભાગરૂપે જ ગરમીમાં વધારો થયો છે. હવામાન ખાતાના જાણકારો માને છે કે, ભારતનો ૫૫ ટકા ભાગ હાલમાં હાઈ હીટ રિસ્ક ઝોનમાં આવેલો છે. સામાન્ય રીતે સેનેગલ, માલી, બુર્કિના ફાસો, ઈરાક, કુવૈત, કતાર જેવા આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશો આ સમયગાળામાં ગરમ રહેતા હોય છે પણ આ વખતે ભારતે તમામને પાછળ છોડી દીધા છે. તેમાંય ક્લાઈમેટ ચેન્જ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારતમાં અનેક રાજ્યોમાં હીટ ડોમ વધી રહ્યા છે અને સ્થિતિ ખરાબ થઈ રહી છે.

હવામાન ખાતાના મતે આ વખતે ગરમી વધવાનું સૌથી મોટું કારણ મેગા અલ નીનો ઈફેક્ટ છે. ૧૫૦ વર્ષ બાદ અલ નીનો વ્યાપક સ્વરૂપ લઈ રહ્યું છે તેના કારણે જ ભારત અને અન્ય કેટલાક દેશોમાં વાતાવરણમાં વ્યાપક પલટો આવ્યો છે. એક અંદાજ પ્રમાણે ૧૮૭૭-૭૮માં ભયાનક ગરમી પડી હતી. તે સમયે અલ નીનો ઈફેક્ટના કારણે પેસિફિક રિજનમાં હાહાકાર મચી ગયો હતો. હાલમાં પેસેફિક મહાસાગરનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે. તેની ઉપરની સપાટી સતત ગરમ થઈ રહી છે. તેના કારણે આ વખતે અલ નીનો વિકરાળ સ્વરૂપ ધારણે કરે તેવું દેખાઈ રહ્યું છે. ૨૦૨૬માં જે મેગા અલ નીનો કે સુપર અલ નીનો આકાર લેશે તેની અસર ૨૦૨૭ સુધી જોવા મળે તેમ છે.

જાણકારોના મતે હાલમાં જે ગ્લોબલ સ્થિતિ છે અને તેમાં ક્લાઈમેટ ચેન્જ, પ્રદુષણ અને સતત જંગલો કાપવાની કામગીરીની જે અસર થઈ રહી છે તેના કારણે આગામી વરસે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડ સ્તરે વધારો નોંધાવાની શક્યતા છે. આજથી દોઢસો વર્ષ પહેલાં જે અલ નીનો સર્જાયું હતું તેણે દુનિયાના એક મોટા હિસ્સામાં આકાશમાંથી આગ વરસાવી હતી. લૂ, સુકા વાતાવરણ અને દુકાળને પગલે વૈશ્વિક વસતીની ૪ ટકા વસતીનું તે સમયે મોત થયું હતું. જાણકારોને ચિંતા છે કે, હાલમાં આવી જ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. 

સામાન્ય રીતે મધ્ય અને પૂર્વ પેસેફિક મહાસાગરનું પાણી જ્યારે વધુ પડતું ગરમ થાય છે ત્યારે તેની જે અસર પડે છે અને હવાનો પ્રવાહ અને ગરમીનું સ્તર બદલાય છે તેને અલ નીનો ઈફેક્ટ કહેવાય છે. તેનાથી ગરમી વધે છે, ચોમાસું નબળું પડે છે અને દુનિયાભરમાં વરસાદી સિસ્ટમ ખોરવાય છે. ખાસ કરીને ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને એમેઝોન બેસિનમાં ભયાનક ગરમી અને દુકાળની શક્યતાઓ વધી જાય છે. તેનાથી તદ્દન વિપરિત અમેરિકાના કેટલાક ભાગમાં ભયાનક વરસાદ અને પૂરની શક્યતાઓ વધી જાય છે.

ચિંતાજનક બાબત એ છે કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વાર્મિંગની પરિસ્થિતિની આકરી અસર શહેરો ઉપર થઈ રહી છે. તેના કારણે શહેરી વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જાણકારોના મતે ભારતના શહેરો હવે અર્બન હીટ આઈલેન્ડ બની રહ્યા છે. મુંબઈ, દિલ્હી, ગુરુગ્રામ, લખનઉ, કાનપુર, બેંગ્લુરૂ, કટક, જયપુર, ભોપાલ, અમદાવાદ જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ શહેરોમાં આવેલા ઉંચી ઉંચી ઈમારતો, સિમેન્ટ અને કોંક્રિટના મકાનો, ડામરના અતશિય લેયર ધરાવતા રોડરસ્તા, મોટા મોટા કાચ ધરાવતા સ્કાય સ્ક્રેપર્સ અને વૃક્ષો, બગીચા અને જંગલોના અભાવને પગલે અહીંયા ગરમીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. કોંક્રિટ, ડામર અને કાચ આખો દિવસ ગરમી ખેંચ્યા કરે છે અને રાત પડતા ધીમે ધીમે તેને રીલીઝ કરે છે. તેના કારણે દિવસે આકરી ગરમી અનુભવાય છે અને રાત્રે પણ રાહત મળતી નથી. છેલ્લાં એક દાયકામાં ભારતમાં વાર્મ નાઈટ્સમાં ૩૨ ટકાનો વધારો થયો છે. ગત વર્ષ સુધીમાં તો તાપમાન પણ ઘણું વધી ગયું છે. રાત્રીનું સરેરાશ તાપમાન ૩ થી ૫ ડિગ્રી સુધી વધી ગયું છે. 

હાલમાં દેશના ૨૬૬ જિલ્લાઓમાં ભયાનક ગરમી છે જ્યારે ૧૫૧ જિલ્લામાં સ્થિતિ ગંભીર છે અને ૨૦૧ જિલ્લામાં મધ્યમ સ્થિતિ હોવાનું અનુમાન છે. તેમાંય આ વખતે અલ નીનો ઈફેક્ટ ભારત માટે ગંભીર બની રહ્યું છે. જાણકારો માને છે કે, તેની અસરને પગલે અરબ સાગર અને બંગાળની ખાડીથી આવતા ભેજવાળા પવનો પણ અટકી જાય તેવું લાગે છે. તે ઉપરાંત તે આગળ વધશે તો પણ તેનું જોર ઘટી જશે. તેના પગલે ઘણા વિસ્તારોમાં ઔતિહાસિક રીતે ૫૦ ટકાથી ઓછો વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

આ શક્તિશાળી અલ નીનોની અસરને કારણે ઘણા વિસ્તારોમાં ગરમી વધશે અને દુકાળની સ્થિતિ આવવાની શક્યતાઓ ૬૦ ટકા સુધી વધી જશે. 

ભારત માટે આ મેગા અલ નીનો સૌથી મોટું સંકટ બની શકે છે : જાણકારો 

અલ નીનો ઈફેક્ટ આ વખતે ભારત માટે વધારે આકરી સાબિત થવાની છે તે અત્યારથી જ દેખાઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. બીજી તરફ જેમ જેમ આ ઈફેક્ટ વધતી જશે તેમ તેમ ચોમાસું ખરાબ થવાની શક્યતાઓ છે. ભારતમાં ચોમાસું ખરાબ જવું તે અર્થતંત્ર માટે પણ મોટું જોખમ છે. દેશની ખેતી, જળ સંસાધન અને સમગ્ર અર્થવ્યવસ્થા ચોમાસા ઉપર ટકેલા હોય છે. હાલમાં જ ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ભયાનક ગરમી પડી રહી છે. વ્યાપક હીટવેવ જોવા મળી રહ્યો છે. આ તમામ વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. આ સંજોગોમાં ખેતીને નુકસાન થવાની અને ઉત્પાદન ઘટવાની ભીતી સેવાઈ રહી છે. તેની અસર ખાદ્ય પદાર્થોના ભાવ ઉપર થવાની જ છે. ઉપજ ઓછી આવશે તો ભાવ વધશે અને તેના પગલે મોંઘવારીમાં વધારો થવાનો છે. તે ઉપરાંત ચોમાસું ખરાબ જશે અને ગરમી વધશે તો પાણીની સમસ્યા પણ ઊભી થશે. જળાશયો ભરાશે નહીં અને ભૂગર્ભજળના સ્તરમાં વધારો થશે નહીં તો પાણીની સમસ્યા અકબંધ રહેશે. ક્લાઈમેટ ચેન્જના કારણે ગરમી વધેલી જ છે તેમાંય અલ નીનો આગમાં ઘી રેડવાનું કામ કરશે તેમ દેખાઈ રહ્યું છે. જાણકારો માને છે કે, આ વખતે સરેરાશ વરસાદ ૯૦ ટકાથી ઓછો અથવા તો વધારેમાં વધારે ૯૨ ટકા સુધી પહોંચે તેમ દેખાય છે. પેસેફિક મહાસાગરમાં ખારાશ વધી રહી છે. તેમાં જો ઘટાડો નહીં થાય તો અલ નીનોની અસર વધુ ૨૦ ટકા આકરી થશે તેવું દેખાય છે. જાણકારો માને છે કે, મેગા અલ નીનો નામ આપવું થોડું આકરું છે પણ સ્થિતિ તેવી જ નિર્માણ પામી રહી છે. અત્યારથી એક્શન પ્લાન રેડી કરવામાં નહીં આવે, જળ સંચય ઉપર કામ કરવામાં નહીં આવે, હીટ એક્શન પ્લાન બનાવવામાં નહીં આવે અને ખેડૂતો માટે સહાયતાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ વર્ષ અત્યંત કપરું સાબિત થાય તેમ છે.



Source link

Related Articles

Back to top button