Rajkot Crime: રંગીલુ રાજકોટ બન્યું રક્તરંજિત, પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર ક્ષત્રિય યુવાનની થઇ હત્યા
રાજકોટ: રંગીલુ શહેર રાજકોટ ફરી એક વખત રક્તરંજિત થયું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં જાહેરમાં 22 વર્ષના યુવાનની હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે, ચોંકાવનારી બાબત તે સામે આવી છે કે, આ બનાવ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર બન્યો હોવાનું મૃતકના ભાઇએ જણાવ્યું છે. ત્યારે હત્યાની ઘટના સામે આવતા પોલીસે ગણતરીના કલાકોમાં બે પૈકી એક આરોપીને સકંજામાં લીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
હીરાના કારખાનામાં મેનેજર હતો મૃતક
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેના કોઠારિયા રોડ પર બાઈક પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં ક્ષત્રિય યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું બનાવ સામે આવ્યો છે. હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારને આર્થિક ગુજરાન ચલાવનારા પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ પઢિયારની બે જેટલા સગીર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.