રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણાના પુત્રનો ફાયરિંગ કરતો Video viral, લોકોમાં રોષ
ભાવનગર: રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાના પુત્ર અમિત મકવાણા સિક્યુરીટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હવામાં ફાયરિંગ કરવુ ગુનો ગણાય છે, મહુવાના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી આર.સી. મકવાણાના પુત્ર અમિત મકવાણા હવામાં ફાયરિગ કરતા હોય તેવો વીડિયો હાલ ઘણો જ ફરી રહ્યો છે. જોકે, આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લોકોમાં રોષ દેખાઇ રહ્યો છે
આ મામલે મંત્રીજીના પુત્ર સામે લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે. આ વીડિયો સાચો છે કે નહીં તે અંગે પૂછતાં મહુવા ડીવાયએસપી જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ અંગે તપાસ કરી સવારે જણાવવામાં આવશે. આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ આવે છે કે, અમિત મકવાણા પિતાના સિક્યોરિટી ગાર્ડનીં બંદૂક લઇને હવામાં રોફથી ફાયરિંગ કરી રહ્યો છે. જે બાદ તેનો આખો ચહેરો પણ દેખાય છે. ત્યારે લોકોમાં અનેક સવાલો છે કે, સામાન્ય માણસ જ્યારે ફાયરિંગ કરે છે તો તેની સામે તરત જ એક્શન લેવામાં આવે છે તો મંત્રીના પુત્રને કોઇ સજા થશે કે નહીં.