પ્રભારી ડો. રઘુ શર્માની મોટી જાહેરાતઃ ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યોનાં પત્તાં કાપીને ટિકિટ નહીં અપાય ? બીજા કોને પણ ટિકિટ નહીં મળે ?
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ મોટી જાહેરાત કરી છે. ડો. રઘુ શર્માએ એલાન કર્યું છે કે, ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખો ચૂંટણી નહિ લડી શકે. ડો. શર્માએ કહ્યું કે, હાલના ધારાસભ્યો પૈકી તમામને ટિકિટ મળી જશે તેવું નથી અને જે ધારાસભ્યો જીતી શકે તેમ હશે તેમને જ રિપીટ કરવામાં આવશે.
શર્માએ જાહેરાત કરી કે, કોંગ્રેસ જીતી શકે એવા ઉમેદવારો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે અને જીતી ના શકે એવા ધારાસભ્યોનાં પત્તાં કપાશેય કોંગ્રેસના સંગઠન અંગે પ્રભારી ડો. રઘુ શર્માએ કહ્યું કે, આ મહિનાના અંતમાં કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર થઈ જશે અને નવા હોદ્દેદારો નિમી દેવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા શનિવારે સવારે 6 વાગે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રધુ શર્મા આજે 11.30 વાગે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં આદિવાસી વિસ્તારની બેઠકો જીતવા થયેલા માટે થયેલા આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવાની છે તથા હાલમાં કોવિડ ન્યાય યાત્રાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરતમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના સંગઠન માળખાને આખરી ઓપ આપવામાં આવશે.આ ઉપરાંત પ્રદેશના માળખા માટે નક્કી થયેલા નામો અંગે ચર્ચાને તેને આખરી ઓપ આપવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન ક્યાં મુદ્દા પર દેખાવો કરશે તેની વ્યૂહરચના નક્કી કરીને કોંગ્રેસે રોડ પર ઉતારવા માટે તૈયાર કરેલા આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ પ્રભારી રઘઉ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મહેસાણા જવા રવાના થશે.
ડો. રઘુ શર્મા સંગઠનમાં જેમને સ્થાન આપવામાં આવશે એવા કેટલાક નેતાઓને પણ શનિવારે અને રવિવારે મળે એવી શક્યતા છે.