गुजरात

ઓનલાઈન ભણવું કેવી રીતે? અમદાવાદના મહેનતુ વિદ્યાર્થી સાથે બની વિચિત્ર ઘટના

અમદાવાદ: કોરોના કાળ આવ્યો ત્યારથી સ્કૂલ અને કોલેજોના ઓનલાઈન કલાસ (online class) શરૂ થઈ ગયા છે. મોટાભાગના શિક્ષકોની એક જ ફરિયાદ છે કે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં બરાબર અભ્યાસ કરતા નથી. તો બીજી બાજુ કેટલાય એવા પણ વિદ્યાર્થીઓ છે જે મહેનતુ અને ધગશ સાથે અભ્યાસ કરી રહ્યા છે. એક વિદ્યાર્થી લાઈબ્રેરીમાંથી નીકળી મોબાઈલમાં ઓનલાઈન ક્લાસનો વીડિયો જોતા જોતા જતા હતા. ત્યાં બે લોકો તેના હાથમાંથી ફોન લૂંટી ફરાર થઇ ગયા હતા. મહેનતુ વિદ્યાર્થીને ભણવાનું અટકી પડ્યુંને હવે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

બહેરામપુરામાં રહેતા 22 વર્ષીય સંજય ચાવડા ત્રણેક દિવસ પહેલા અંજલિ ખાતે આવેલી લાયબ્રેરી ખાતે વાંચવા ગયા હતા. સાંજે બીઆરટીએસ બસમાં બેસી પીરકમાલ ચાર રસ્તા પાસે ઉતર્યા હતા. બાદમાં સ્વામિનારાયણ કોલેજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા હોવાથી તેઓ ત્યાં ગયા હતા. તે દરમિયાન ઓનલાઈન કલાસીસના વીડિયો તેઓ મોબાઈલમાં જોતા જોતા જતા હતા. ત્યારે જ બે લોકો બાઇક પર પાછળથી આવ્યા અને હાથમાં રહેલો મોબાઈલ ફોન લૂંટી ફરાર થઇ ગયા હતા.

સંજયભાઈ હજુ કાંઈ સમજે ત્યાં જ બે લોકો ફરાર થઈ ગયા હતા. બાદમાં તેઓએ તેમના પરિવારને જાણ કરી હતી. જેથી આ મામલે હવે દાણીલીમડા પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઓનલાઈન અભ્યાસને લઈને કેટલીક ઘટનાઓ સામે આવી હતી. જેમાં ઓનલાઈન અભ્યાસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ બીભત્સ શબ્દો લખ્યા હતા તો કેટલીક સગીરાની છેડતી પણ થઈ હતી.

Related Articles

Back to top button