गुजरात

સુરત: પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી માથામાં કુકર મારી કરી હત્યા

સુરત: શહેરમાં હત્યાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી પત્નીનાં માથામાં કુકર મારી દીધું હતું. જોકે, હુમલો કર્યા બાદ પતિ જ પોતાની પત્નીને સારવાર માટે લઇ ગયો હતો. પરંતુ પતિ પત્નીનો જીવ બચાવી શક્યો ન હતો. હોસ્પિટલ સ્ટાફને મહિલાની ઈજા પર શંકા જતા તેમણે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં એક પતિએ પત્નીને કુકર મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના સુરતનાં અમરોલી વિસ્તારમાં બની છે. કે જ્યાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી વહેમીલા સ્વભાવના પતિએ પત્નીને માથામાં કૂકર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્ની પર કુકરથી હુમલો કર્યા બાદ પતિ સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. આરોપી પતિએ હોસ્પિટલમાં શરૂઆતમાં પત્ની પડી જતા ઈજા થઈ હોવાની વાત કરી હતી. જોકે, હોસ્પિટલના સ્ટાફને ઈજાના નિશાન પરથી શંકા જતા પોલીસને જાણ કરી હતી.

આ સમગ્ર ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું હતું. પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થઈ હતી. જેમાં માથામાં કૂકર મારવાને કારણે બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે, મૃતક 22 વર્ષીય આરતી પટેલ સૂરજ સાથે ભાગી ગઈ હતી અને છેલ્લા 6 વર્ષથી પતિ-પત્ની તરીકે બન્ને ઉત્રાણ હળપતિવાસમાં રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતો હતો. આ મામલે આરોપી પતિએ પોતાના રહેઠાણનું એડ્રેસ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારનું બતાવ્યું હોવાથી પુણા પોલીસ દોડી આવી હતી.

બાદમાં ઘટના અમરોલી વિસ્તારમાં બની હોવાથી પુણા પોલીસે અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે પતિની પૂછપરછ કરી જેમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવી પતિએ પત્નીને માથામાં કૂકર મારી દીધું હતું. અમરોલી પોલીસે મૃતક મહિલાના ભાઈ સુરેશ રાઠોડની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે પતિ સુરજ સંતોષ પટેલની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

Related Articles

Back to top button