गुजरात

ટૂંક સમયમાં ધો. 1થી 5નો ઓફલાઈન અભ્યાસ શરૂ કરી શકાશે: શિક્ષણમંત્રી

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયા બાદ પ્રથમ સત્રમાં મોટાભાગે ઓનલાઈન શિક્ષણ  જ ચાલ્યું હતું. કોરોનાના કેસો ઓછા થતાં સરકાર દ્વારા સૌપ્રથમ ધો. 9 થી 12 અને ત્યારબાદ ધો. 6 થી 8ના વર્ગો શરૂ કરાયા હતા. જોકે, હજુ પણ શાળાઓમાં ધો.1થી 5ના વર્ગોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી. જે અંગે હવે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સારા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, ટૂંક સમયમાં ઓફલાઇન અભ્યાસ શરૂ કરાશે.

‘યોગ્ય સમયે નિર્ણયની જાહેરાત કરીશું’

ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ખૂબ ઝડપથી સારા સમાચાર મળશે અને ટૂંક સમયમાં ઓફલાઈન અભ્યાસ કરી શકાશે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ખૂબ ઝડપથી સારા સમાચાર મળશે. બાળકો સંસ્થાનો પ્રાણ છે, સંસ્થાની જીવંતતા બાળકોના આવવાથી થતી હોય છે ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ઓફલાઇન શિક્ષણ શરૂ કરીશું. શાળાએ આવવા માટે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉતાવળા થયા છે. મુખ્યમંત્રી સાથે બેસીને તેમના માર્ગદર્શનમાં, યોગ્ય સમયે , રાજ્યના હિતમાં નિર્ણયની જાહેરાત કરીશું પરંતુ તમને બહું રાહ નહીં જોવડાવીએ.

થોડા દિવસો પહેલા જ ન્યૂઝ18 ગુજરાતીએ આ અંગે જણાવ્યું હતુ. અમે જણાવ્યુ હતુ કે, આગામી 1 ડિસેમ્બરથી આ વર્ગો ઓફ લાઇન શરૂ કરી દેવાની વિચારણા ગંભીરતાથી હાથ ધરવામાં આવી છે. જોકે, પહેલી ડિસેમ્બરથી આ ઓનલાઇન વર્ગો શરૂ થશે તો પણ તેના શૈક્ષણિક સત્રના દિવસોમાં કેટલાક ફેરફારો કરવાનું પણ વિચારાધીન હોવાનું ગાંધીનગર સ્થિત સૂત્રોએ જણાવ્યું હતુ.

સંભવતઃ પહેલી ડિસેમ્બરથી આ વર્ગો શરૂ થઈ જશે. જોકે, ધોરણ 1 થી 5ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડી નાખવામાં આવશે અને સપ્તાહનું શૈક્ષણિક સત્ર પણ છની જગ્યાએ ચાર દિવસનું કરવામાં આવે એવી સંભાવના છે. ધોરણ 1થી 5ના શૈક્ષણિક સત્રના સમયમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.

Related Articles

Back to top button