સાણંદમાં કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મનો કેસ, 2 આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી | sanand hostel minor kidnapping Misdemeanor case court sentences two accused to twenty years jail

![]()
Sanand News: અમદાવાદના સાણંદની કન્યા છાત્રાલયમાંથી 14 વર્ષીય સગીરાનું રિક્ષામાં અપહરણ કરી દુષ્કર્મ કરનાર 2 આરોપીને પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અમદાવાદ ગ્રામ્યની પોક્સો કોર્ટના ખાસ જજ બી.એસ.મહેતાએ મુખ્ય આરોપી સાહીલ મકવાણા અને સુલતાન ઉર્ફે મનોજ હારૂનને દોષિત ઠેરવી સજા ફટકારવાની રૂ.20 હજાર દંડનો આદેશ કર્યો છે.
સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મના કેસમાં 2 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
ઘટના એમ છે કે, ભોગ બનનાર સગીરા સાણંદની કન્યા છાલાયમાં રહીને અભ્યાસ કરતી હતી. ત્યારે મુખ્ય આરોપી સાહીલ સગીરાનું અપહરણ કરી ભગાડી લઇ જવા માટે રિક્ષા ચાલક આરોપી સુલતાન ઉર્ફે મનોજકુમાર હારૂન સાથે સાંઠગાંઠ કરી હતી. જેમાં 1 માર્ચ 2024ના રોજ સુલતાન કન્યા છાત્રાલયમાં ગયો હતો અને પોતાનું ખોટુ નામ જણાવી સગીરાના કાકા હોવાનું કહ્યું હતું. જેમાં આરોપીએ સગીરાની મમ્મી બીમાર હોવાનું જણાવી તેને લઈ ગયો હતો. આ પછી મુખ્ય આરોપી સાહીલ રિક્ષામાં સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાની માતાએ નોંધાવી હતી ફરિયાદ
આ બનાવ અંગે સગીરાની માતાએ આરોપીઓ વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્યની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ હતું. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલે 36 દસ્તાવેજી પુરાવા અને 19 સાક્ષીઓ તપાસી આરોપીઓ વિરુદ્ધનો ગુનો પુરવાર કર્યો હતો.
બંને આરોપીઓ વકીલને બોલાવવાના બહાને ભાગી ગયા હતા
પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારતા બંને આરોપીઓ પોતાના વકીલને બોલાવવાના બહાને કોર્ટ રૂમમાંથી ભાગી ગયા હતાં. કોર્ટે આરોપીઓને પકડી લાવવા માટે પકડ વોરંટ કાઢ્યા હતા. જેમાં પોલીસે મુખ્ય આરોપી સાહીલને પકડી કોર્ટમાં હાજર કર્યો હતો. જયારે સહઆરોપી સુલતાન ફરાર હોવાથી સાણંદ પોલીસ તેને પકડવા તપાસ કરી રહી છે. જ્યારે બંને આરોપીઓ ભાગવાના કિસ્સામાં કોર્ટે બેન્ચ કલાર્કને અલગથી ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો.



