गुजरात

જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ : ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી | Fire Breaks Out Due To Gas Leakage At Tulip Society Near Kalavad Naka In Jamnagar



Jamnagar Fire : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી તુલીપ સોસાયટીમાં રહેતા કાનજીભાઈ નકૂમના રહેણાંક મકાનમાં ગુરુવારે રાત્રે આશરે 9:00 વાગ્યે રસોડામાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના સિલિન્ડરમાં લીકેજ થતાં આગ લાગવાની ઘટના બની હતી.

આગ લાગતા પરિવારજનો અને આસપાસના રહિશોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સૌપ્રથમ 112 પોલીસ કંટ્રોલની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયર કર્મચારીઓએ તપાસ કરતાં ગેસ સિલિન્ડર સાથે જોડાયેલી રબરની નળીમાંથી ગેસ લીક થવાના કારણે આગ ભભૂકી હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે જોખમ વચ્ચે કામગીરી કરીને સળગતા સિલિન્ડરને સલામત રીતે બહાર કાઢ્યો હતો, અને આગ પર કાબૂ મેળવી તેને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.

ફાયર બ્રિગેડની સમયસૂચક અને કુશળ કામગીરીના કારણે આગ મકાનના અન્ય ભાગોમાં ફેલાતી અટકી હતી અને કોઈ મોટી જાનહાનિ કે નુકસાન સર્જાયું ન હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિક રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગે નાગરિકોને ગેસ સિલિન્ડર, રેગ્યુલેટર અને રબરની નળીની સમયાંતરે તપાસ કરાવવાની તેમજ ગેસ લીકેજ જણાય તો તાત્કાલિક તકેદારી રાખવાની અપીલ કરી છે.



Source link

Related Articles

Back to top button