મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના દબાણો હટાવ્યા | Tandalja Encroachments Demolished By Mamlatdar West Shukravari Pavements Cleared By VMC

![]()
Vadodara : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર પશ્ચિમની આગેવાની હેઠળ તાંદળજાની કિસ્મત ચોકડી પાસે ત્રણ દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પણ સહભાગી બની દબાણો દૂર કરાવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જેપી રોડ પોલીસ મથકનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો.
બીજી તરફ, શુક્રવારી બજારમાં ગેરકાયદે પથારા તેમજ લારી-ગલ્લા સામે પણ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તંત્ર દ્વારા વેપારીઓને ગરનાળા પોલીસ ચોકીથી બાળ રિમાન્ડ હોમ સુધીના વિસ્તારમાં જ વેપાર કરવાની સૂચના આપવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળ રિમાન્ડ હોમથી કારેલીબાગ પાણીની ટાંકી સુધીના માર્ગ પર વધારાના પથારા અને લારી-ગલ્લા ઉભા ન રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દબાણ શાખાની ટીમ અને સંબંધિત વોર્ડ સ્ટાફ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરીને ફરીથી દબાણ ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે.
શહેરના વોર્ડ નંબર-4 વિસ્તારમાં આવેલા ન્યુ વીઆઇપી રોડ પરની ગોપાલ કૃષ્ણ સોસાયટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 10 ફૂટ જેટલી ઓરડીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. કાર્યવાહીમાં વોર્ડ નંબર-4ની ટીમ, દબાણ શાખા તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.
