ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષાના સાધનો વગર જ તોડી નાંખી | Diamond Jubilee Institute building demolished without safety equipment

![]()
વડોદરા, તા.16 શહેરના રાજમહેલરોડ પર આવેલી ડાયમંડ જ્યુબિલી ઇન્સ્ટિટયૂટની બિલ્ડિંગ સુરક્ષાના કોઇપણ સાધનો વગર તોડી નાંખતા નજીકમાં આવેલી સોસાયટીના મકાનોમાં નુકસાન થતા લોકોમાં રોષ ફેલાયો છે. અચાનક બિલ્ડિંગ તૂટી પડતા ભૂકંપ આવ્યો હોય તેવી બીકે રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
ટેકનિકલ કોર્સ ચલાવતી સરકારી ઇન્સ્ટિટયૂટની ઇમારત જર્જરિત થઇ ગઇ હોવાથી તેને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધડાકાભેર તૂટી પડી તેનો કાટમાળ ચારે બાજુ ફેલાતા આજુબાજુની સોસાયટીના રહીશો ચિંતાતૂર બની ગયા છે. બિલ્ડિંગ તોડતા પહેલા કોઇ સુરક્ષા કવચ નહી લગાડાતા તેનો કાટમાળ લોકોના ઘરના આંગણાંમાં જઇને પડયો તો કેટલાંકના ઘરને નુકસાન થયું છે.
એક મહિલાએ જણાવ્યું હતું કે સુરક્ષાના સાધનો વગર આ કામગીરી કરવામાં આવી છે. અમોને કોઇ માહિતી કે નોટિસ પણ આપી નથી કે જોખમી કામ થવાનું છે તો સાવચેતી રાખશો. અમો સવારે ઘેર હતા અને અચાનક ઘરમાં વાઇબ્રેશન થવાની સાથે મોટો અવાજ આવતા અમો ભૂકંપ માની ઘરની બહાર દોડી આવ્યા તો ઘરનું કમ્પાઉન્ડ તેમજ કેટલોક અંદરનો ભાગ ધૂળવાળો થઇ ગયો હતો. આ સાથે ફરીથી મોટો અવાજ આવતા જ અમારી ગટરલાઇન પણ તૂટી ગઇ છે.
અન્ય એક રહીશે કહ્યું હતું કે બિલ્ડિંગ તોડનાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે. સુરક્ષા વગર જ કામગીરી કરતા આખરે અમારે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જે નુકસાન થયું છે તેનું વળતર મળવું જોઇએ તેવી માંગણી પણ રહીશો દ્વારા કરવામાં આવી છે. રહીશોએ પોતાનો જીવ જોખમમાં મૂકાયો હોવાના પણ આક્ષેપો કર્યા હતાં.


