गुजरात

જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી | BJP MLA takes to the streets over Jetalsar rail issue threatens rail blockade movement



ડબલ એન્જિન સરકારમાં રેલવેની મનમાની સામે આક્રોશ

લોકો-લોબી અને બ્રેકડાઉન કામગીરી અન્યત્ર ખસેડવા, ૭૨ રનિંગ સ્ટાફની સામૂહિક બદલીનો નિર્ણય પરત ખેંચવા ૧૦ દિવસનું અલ્ટિમેટમ

જેતલસર,જેતપુર: રાજકોટ જિલ્લાના ઐતિહાસિક જેતલસર જંકશન ખાતે રેલવે તંત્રની મનમાનીને કારણે ફરી એકવાર વિવાદ વકર્યો છે. અહીંથી લોકો-લોબી અને બ્રેકડાઉન જેવી મહત્વની કામગીરી અન્યત્ર ખસેડી લેવા અને ૭૨ જેટલા રનિંગ સ્ટાફ (લોકો પાયલટ અને ટ્રેન મેનેજર)ની સામૂહિક બદલીના નિર્ણય સામે સ્થાનિકો અને રેલવે બચાવ સમિતિએ લડત ચલાવ્યા બાદ કોઈ પરિણામ નહીં આવતા હવે ડબલ એન્જિન સરકારમાં રેલવેની મનમાની સામે ભાજપના જ ધારાસભ્ય મેદાને આવ્યા છે અને રેલરોકો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા રાજકીય ક્ષેત્રે ઉહાપોહ મચી ગયો છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે આજે જેતલસર જંકશનની મુલાકાતે આવતા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આકરા પાણીએ આવીને ૭૨ કર્મચારીઓના રનિંગ સ્ટાફની વાપસી, જેતલસર જંકશન પર એક્સિડન્ટ રિલીફ ટ્રેન અને એક્સિડન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટની કાયમી વ્યવસ્થા, કોચિંગ ડેપોનું નિર્માણ અને જેતલસરને મેઈલ-એક્સપ્રેસ ટ્રેનોનું ઓરિજિનેટિંગ સ્ટેશન જાહેર કરવા સહિત છ મુદાની માંગણી સાથે રેલપ્રશ્નોનો ઉકેલ લાવવા ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના જવાબમાં રેલવેના જી.એમ.એ સ્ટાફમાં ઘટાડો થયો હોવાનું સ્વીકારી ઉચ્ચ સ્તરે વિચારણાનું આશ્વાસન આપ્યું છે. 

જો કે વળતા પ્રહારમાં ધારાસભ્ય રાદડીયાએ આક્રોશ ઠાલવ્યો કે, ‘ગત ફેબુ્રઆરી મહિનામાં ખુદ રેલવે મંત્રીએ રનિંગ સ્ટાફને પરત લાવવાનું આશ્વાસન આપ્યું હતું અને સાંસદ મનસુખ માંડવિયાએ પણ અનેકવાર રજૂઆત કરી હતી, તેમ છતાં આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. હવે જો આ માંગણીઓની ઉપેક્ષા કરવામાં આવશે, તો જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન અને અનિશ્ચિતકાલીન ઉપવાસ શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી રેલવે તંત્રની રહેશે.’ નોંધનીય છે કે, ગામલોકોના મતે, અહીંથી લોકો-લોબી અને બ્રેકડાઉનની કામગીરીને અન્યત્ર ખસેડાતા માત્ર રેલવે વ્યવસ્થા જ નહીં, પરંતુ જેતલસરની સ્થાનિક અર્થવ્યવસ્થા અને વેપાર-ધંધા પણ પડી ભાંગ્યા છે. 

– રેલવે અને સ્ટાફના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશેઃ જીએમ

ગ્રામજનો અને ધારાસભ્યની ઉગ્ર રજૂઆત બાદ રેલવે જી.એમ. રામાશ્રય પાંડેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જેતલસરની લોબી કાયમ માટે બંધ કરવામાં આવી નથી, માત્ર સ્ટાફમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેલવે તંત્રમાં સમય અને જરૂરિયાત મુજબ કેટલાક વહીવટી તેમજ પ્રશાસનિક નિર્ણયો લેવામાં આવતા હોય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, રેલવે મંત્રીનો પણ સ્પષ્ટ આદેશ છે કે જેતલસરની લોબી બંધ કરવામાં નહીં આવે. બદલી કરાયેલા સ્ટાફને પરત લાવવા અંગે અને સ્ટાફ વધારાના મુદ્દે ઉચ્ચ સ્તરે વિચારણા કરવામાં આવશે. જે પણ નિર્ણય લેવાશે તે રેલવે તેમજ સ્ટાફના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જ લેવાશે.

– રેલબાબુઓ નેતાઓને ‘ભાજીમૂળા’ સમજતા હોય એવી હાલત

હજુ ગઈકાલે જ રેલવેના જનરલ મેનેજરે રાજકોટ અને ભાવનગર ડિવિઝન મતક્ષેત્રના ભાજપના સાંસદો સાથે રાજકોટમાં બેઠક યોજીને રેલવેને લગતી સમસ્યાઓ, પ્રોજેક્ટ્સ, ટ્રેનોના સ્ટોપેજ, નવી ટ્રેનો શરૂ કરવા તેમજ રૂટ લંબાવવા, ટ્રેનોના ફેરા વધારવા અને માળખાકીય પ્રોજેક્ટ્સને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સૂચનો આપવામાં આવ્યા હતા, પણ ખરેખર તો રેલબાબુઓ આ નેતાઓને ‘ભાજીમૂળા’ સમજતા હોય એમ મોટાભાગની રજૂઆતો-ભલામણોને કચરા ટોપલીમાં પધરાવી દે છે ત્યારે આજે ભાજપના ધારાસભ્ય રેલવે તંત્ર સામે મેદાને આવતા ડબલ એન્જિન સરકારમાં ઉહાપોહ મચી ગયો છે.



Source link

Related Articles

Back to top button