गुजरात

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પષ્ટતા | salangpur hanumanji king of salangpur copyright controversy gujarat



Salangpur Hanumanji Copyright Controversy: સાળંગપુરધામમાં કિંગ ઓફ સાળંગપુર અને સર્જનાત્મક કૃતિઓ પર કોપીરાઈટ મેળવવાના મુદ્દે હવે ગુજરાતમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. સનાતન ધર્મના વિવિધ સંગઠનો અને સંતોએ આ પગલાને આસ્થા પર તરાપ ગણાવીને સ્વામીનારાયણ સંપ્રદાય સામે મોરચો માંડ્યો છે. બીજી તરફ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા કેમ કોપી રાઈટ લેવામાં આવ્યા તે અંગે મહત્વની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

‘ભગવાન પર ભક્તોનો હક, કોર્પોરેટ કંપનીનો નહીં’

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેને આ મામલે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સાળંગપુરધામ ખાતે હનુમાનજી પર કોપીરાઈટ લેવાની બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યું છે કે, ‘ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કોઈ એક ચોક્કસ સંપ્રદાયની મિલકત ન હોઈ શકે. પરમાત્મા પર માત્ર ને માત્ર તેમના ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો નહીં. ભગવાન એ કોઈ કોર્પોરેટ સંપત્તિ કે ખાનગી જાગીર નથી કે તેના અલગ-અલગ સ્વરૂપો પર પેટન્ટ કે કોપીરાઈટ લઈ શકાય.’ આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો તેઓ આ મામલે કાયદાકીય લડત લડશે.

‘હનુમાનજીના નામે રોટલા શેકવાનું બંધ કરો’: જ્યોતિર્નાથ બાપુ

બીજી તરફ, જ્યોતિર્નાથ બાપુએ પણ આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમણે નીતિઓ પર સવાલ ઉઠાવતા આરોપ કર્યો કે, ‘આ સંપ્રદાયના કેટલાક લોકો સનાતન પરંપરાના વિરોધી છે અને અવારનવાર દેવી-દેવતાઓનું અપમાન કરવા ટેવાયેલા છે. જો તેઓ સનાતન ધર્મને નથી માનતા, તો પછી હનુમાનજીના નામે પેટન્ટ શા માટે કરાવી રહ્યા છે? શું આ બધું માત્ર હનુમાનજીના નામે રોટલા શેકવા એટલે કે આર્થિક કે સંપ્રદાયિક લાભ ખાટવા માટે થઈ રહ્યું છે?’

‘ભગવાન સર્વના છે અને સદાય સર્વના જ રહેશે.’

સાળંગપુરધામ મંદિર ટ્રસ્ટે કહ્યું છે કે, તાજેતરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમા, વિશિષ્ટ વાઘા શણગાર અને અન્ય સર્જનાત્મક કૃતિઓના કૉપીરાઇટ (IPR)ની નોંધણી કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો હેતુ ભક્તોની સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડી સામે લડવાનો છે. મંદિર વહીવટી સમિતિ સ્પષ્ટપણે જણાવે છે કે, આ નોંધણીનો હેતુ ક્યારેય ભગવાન કે શ્રદ્ધા પર માલિકી હક્ક સ્થાપિત કરવાનો નથી. હનુમાનજી દાદા સમગ્ર સૃષ્ટિના છે અને સદાય સર્વના જ રહેશે. આ પગલું માત્ર મંદિરની આગવી ઓળખને કાનૂની સંરક્ષણ આપવા માટે છે.

નોંધણી કેમ જરૂરી બની ?

ટ્રસ્ટે એ પણ જણાવ્યું કે ‘છેલ્લા કેટલાક સમયથી નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ દ્વારા સાળંગપુરના નામે ખોટા રૂમ બુકિંગ, ઓનલાઈન પ્રસાદ અને દાન-ફાળાના નામે ભક્તો સાથે છેતરપિંડીના બનાવો બન્યા છે. આવી નકલી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે સાયબર ક્રાઇમ દ્વારા ત્વરિત અને કડક કાનૂની પગલાં લઈ શકાય તે માટે આ કૉપીરાઇટ અને આઈપી રાઈટ્સ (IP Rights)નું સુરક્ષા કવચ અનિવાર્ય બન્યું છે. સાળંગપુર મંદિર દ્વારા હાલમાં કોઈ ઓનલાઈન રૂમ બુકિંગ કે ઘર બેઠા પ્રસાદની સેવા ચલાવવામાં આવતી નથી. મંદિર તમામ શ્રદ્ધાળુઓને વિનંતી કરે છે કે તેઓ માત્ર મંદિરના સત્તાવાર માધ્યમો પર જ વિશ્વાસ રાખે અને કોઈપણ શંકાસ્પદ પેજ કે વ્યક્તિની નાણાકીય માંગણીઓથી સાવધ રહે.’

આ પણ વાંચો: હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિક વારસો કરાયો સુરક્ષિત

આ વિવાદને પગલે સમગ્ર રાજ્યના શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. અનેક ભક્તો અને સનાતનીઓનું સ્પષ્ટ કહેવું છે કે ભગવાન સૌના છે અને તેમના પર કોઈ કાયદાકીય માલિકી હક ન હોઈ શકે. આ ઘટનાને સનાતન સંસ્કૃતિ વિરોધી ગણાવીને સોશિયલ મીડિયા પર પણ રોષ ઠાલવી રહ્યા છે, તો મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા બાદ ઘણા ભક્તો એવા પણ છે કે ટ્રસ્ટના નિર્ણયને આવકારી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button